લાતી પ્લોટમાં તોતિંગ દીવાલ ધસી પડતાં 3 લોકો ઘવાયા, છ વાહનનો ભૂક્કો
3પ વર્ષ જૂના ટીમ્બર માર્ટની ઘટના: બાઇકચાલક અને છોટા હાથીમાં સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર
બે બાઇક-બે બગી - ટ્રક અને છોટા હાથી દબાઇ જતા ભારે નુકસાન, મામલતદારની ટીમ દોડી ગઇ
શહેરમા અનેક સ્થળોએ જર્જરીત મકાનો આવેલા હોય જેમા અવાર નવાર જર્જરીત ભાગ તુટી પડવાની ઘટના બનતી રહે છે થોડા સમય પહેલા જ લાખાજીરાજ રોડ પર આવેલી એક વર્ષો જુની ઇમારતનો ભાગ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી. આમ છતા મહાનગર પાલિકા દ્વારા જર્જરીત મકાનો સામે કોઇ પગલા ભરવામા ન આવતા કોર્પોરેશનની બેદરકારીના પરીણામે શહેરના સામાકાંઠે વધુ એક ઘટના સામે આવી છે. જુના મોરબી રોડ પર લાતી પ્લોટમા ટીમ્બર માર્ટની વર્ષો જુની તોતીંગ દિવાલ ઘસી પડતા 3 લોકો ઘવાયા હતા જયારે 6 જેટલા વાહનો દબાઇ જતા ભુકકો બોલી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી છે. બનાવની જાણ થતા મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ લાતી પ્લોટ શેરી નં 6 મા આવેલા ઇસ્માઇલજી ટીમ્બર નામના લાકડાના ગોડાઉનની તોતીંગ દિવાલ આજે સવારે 11 વાગ્યાના અરસામા એકા એક રસ્તા પર ઘસી પડતા દુર્ઘટના સર્જાઇ હતી આ બનાવમા તોતીંગ દિવાલ તુટી પડતા રસ્તા પરથી પસાર થતા વાહનો દટાઇ ગયા હતા. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. લાકડાનો જથ્થો અને દિવાલ વાહનો પર પડતા વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને વાહન ચાલકો પણ દિવાલ નીચે દટાઇ ગયા હતા. લોકોએ દિવાલનો કાટમાળ અને લાકડાને હટાવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
ઇજાગ્રસ્તોમા મોરબી રોડ પર સત્યમ પાર્ક શેરી નં 3 મા રહેતા વસંતભાઇ આત્મારામ ઠકકર (ઉ.વ. પપ) નામના પ્રૌઢ બાઇક લઇને જતા હતા જયારે દિવાલ નજીક પડેલા છોટા હાથીમા જયરાજ મહેશભાઇ ચૌહાણ (ઉ.વ. રર, રહે. લાતી પ્લોટ 10) અને એજાજ ભીખુભાઇ આરબ (ઉ.વ. ર3, રહે. ભગવતીપરા મોર્ડન સ્કુલ પાસે) બેઠા હતા. ઉપરોકત ત્રણેય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમા બાઇક સવાર વસંતભાઇની હાલત ગંભીર હોવાનુ હોસ્પિટલમાથી જાણવા મળ્યુ છે.
દુર્ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજી તરફ મામલતદારની ટીમ પણ દોડી ગઇ હતી. જે પ્રાથમીક રીપોર્ટ તૈયાર કરી સરકારને સોપશે. જો કે દુર્ઘટના ઘટયા બાદ પણ મહાનગર પાલિકાનો એકપણ સ્ટાફ ઘટના સ્થળે ફરકયો ન હોવાનુ જાણવા મળ્યુ છે. ઇસ્માઇલજી ટીમ્બરનુ બિલ્ડીંગ 3પ થી 40 વર્ષ જુનુ હોવાનુ જાણવા મળ્યુ છે. જર્જરીત દિવાલ ઘસી પડતા લાતી પ્લોટ રોડ રહેલા બે બાઇક, બે બગી, ટ્રક અને છોટા હાથી દબાઇ જતા વાહનોમા ભારે નુકસાન થયુ હતુ.
લાકડાના વજનથી 40 ફૂટ ઉંચી દીવાલ તૂટી પડતાં બની દુર્ઘટના
લાતી પ્લોટ શેરી નં 6 મા ઇસ્માઇલજી ટીમ્બર માર્ટની જર્જરીત દિવાલ ઘસી પડવાની દુર્ઘટના ઘટી હતી જેમા આ દિવાલ વર્ષો જુની હોવાથી જર્જરીત થઇ ગઇ હોય અને ટીમ્બરમા ત્રાપા ટેકામા ઉ5યોગમા લેવાતા ઉંચા લાકડાનો જથ્થો આ દિવાલના ટેકે ઉભો રાખેલો હોય જેના કારણે દિવાલ પર લાકડાના જથ્થાનો વજન આવતા 40 ફુટ ઉચી દિવાલ રોડની સાઇડ પર ઘસી પડતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનુ જાણવા મળ્યુ છે.