દ્વારકામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મના આગમન પૂર્વે તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
રિહર્સલ સાથે તૈયારીઓને આખરી ઓપ અપાયો -
જામ ખંભાળિયા, તા. ૧૦: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે શનિવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અહીંના જિલ્લા કલેકટર, પ્રાંત, મામલતદાર, પોલીસ, નગરપાલીકા, ફાયર સહિતના વિભાગો સહિત સમગ્ર વહીવટી તંત્રએ દ્વારકામાં રાષ્ટ્રપતિના રૂટ અને જગતમંદિર સહિતના મહત્વના સ્થળો પર સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે સવારે રિહર્સલ સહિત સમગ્ર વહીવટી તંત્રની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડથી બસ સ્ટેશન રોડ, રબારી ગેઈટ, હોસ્પીટલ રોડ, સર્કિટ હાઉસ, ઈસ્કોન ગેઈટ, સનાતન સેવા મંડલ, હાથી ગેઈટથી જગતમંદિર સુધીના રૂટ પર તમામ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જગતમંદિરમાં પૂજારી દ્વારા રાષ્ટ્રપતિના આગમન સમયે વિશેષ શણગાર યોજવામાં આવનાર છે. સમગ્ર રૂટમાં સઘન સફાઈ અભિયાન ચલાવાયું છે. સાથે રોડ રસ્તાના નવીનીકરણ તેમજ ફાયર સેફ્ટી સહિત સુરક્ષાની બાબતોને સઘન બનાવી દેવામાં આવી છે.