જૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભ
ભારતીય પુરાતત્ત્વ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા જગત મંદિર અને ગોમતી નદી વચ્ચેની જગ્યામાં સર્વેક્ષણ હાથ ધરાયું
યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધીશ મંદિર નજીક પુરાતત્ત્વ વિભાગ દ્વારા આજથી સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભ કરાયો છે. પુરાતત્ત્વ વિભાગના અધિક મહાનિદેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં આર્કોલોજી વિભાગની ટીમ દ્વારા આજરોજ જગતમંદિરના સ્વર્ગ દ્વાર તરફના જગતમંદિર અને ગોમતી નદી વચ્ચેના શારદા મઠની જગ્યામાં સર્વેક્ષણની કામગીરીનો પ્રારંભકરાયો છે.
પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાધીશ મંદિર આશરે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકાધીશના પ્રપૌત્ર પ્રધુમનજી દ્વારા બનાવાયેલ જગતમંદિર અતિ પૌરાણિક હોય જેની દેખરેખ અને જાળવણી પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ પહેલા વખતો વખત સમુદ્રમાં ડૂબેલી દ્વારકા તથા અન્ય પ્રાચીન ચીજવસ્તુઓની શોધખોળ માટે સર્વે કામગીરી કરાઈ છે ત્યારે આજરોજ પુરાતત્ત્વ વિભાગ દ્વારા જૂની દ્વારકાના દટાયેલા મહત્વપૂર્ણ અવશેષોની શોધખોળ માટે જગતમંદિરના છપ્પન સીડી પાસેના શારદામઠની જગ્યામાં ખોદકામ કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ માટે સ્થળ પર પૂજન કર્યા બાદ ખોદકામની કામગીરી એ.એસ.આઈ.ના અધિક મહાનિદેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદો દ્વારા કરવામાં આવનાર છે જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર છે. આ ઉપરાંત સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકાના અવશેષોની શોધખોળ માટે ભારતીય પુરાતત્વ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
પુરાતત્ત્વ વિભાગના અધિક મહાનિદેશક આલોક ત્રિપાઠીના જણાવ્યાનુસાર દ્વારકા નગરનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે તેટલું જ ઐતિહાસિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ રહેલું છે. જેની પ્રાચીનતા જાણવા સાહિત્ય અને પુરાતત્વ આધાર પર 100 વર્ષ ઉપરાંતથી વિદ્વાનો દ્વારા પ્રયાસો ચાલી રહયા છે. 2005 થી 2007 દરમ્યાન કરેલ સર્વેક્ષણની મર્યાદિત કક્ષામાં કામગીરી કરવામાં આવેલ જેમાંથી મળેલ પરિણામો આધારે અહીંની પ્રાચીનતાને સિધ્ધ કરવા વધુ પ્રયત્નોની જરૂૂરીયાત હોય થોડા સર્વે થયેલ કામગીરી બાદ ભારત સરકાર દ્વારા વિશેષ પરિયોજના હેતુ આજરોજ પુન: સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીની પ્રાચીનતા તથા દ્વારકા તથા બેટ દ્વારકાના સમુદ્રમાં રહેલા પૌરાણિક અવશેષોની વિસ્તૃત શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વૈજ્ઞાનિક અને એકેડેમીક એકટીવીટીમાં પુરાતત્વ વિભાગના પટના, નાગપુર, દક્ષિણ ભારત સહિત દેશભરમાંથી આવેલ પુરાતત્વવિદો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલાં પણ જગતમંદિરના મોક્ષ દ્વાર નજીક ખોદકામની કામગીરી કરવામાં આવેલ. પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરેલ ઉત્ખનનની કામગીરીમાં મળતા અવશેષો આધારે આવનારા દિવસોમાં પણ કામગીરી યથાવત રહેશે. મૂળ રૂૂપે અન્ડરવોટર વિંગની ટીમ દ્વારા રાજકોટ વિભાગ તથા કેન્દ્રીય પુરાતત્વ વિભાગના સહકારથી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ પહેલા વર્ષ 2023માં પણ ભારતના પ્રમુખ તીર્થક્ષેત્ર દ્વારકાધીશ મંદિરના શિખરના વિવિધ ભાગોમાં પડી રહી હોવા અંગે અને સાત મજલાના જગતમંદિરના શિખરને હવામાનની સીધી અસર તથા હજારો વર્ષ જૂનાં પત્થરોમાં મોટા ગાબડા પડયાના વિવિધ સમાચાર માધ્યમોના અહેવાલો બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગના મુંબઈ જીજનલ કચેરી તથા બરોડા અને રાજકોટસ્થિત કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનીય પુરાતત્ત્વ કચેરી સાથે મંદિરના જીર્ણોદ્ધારની ચર્ચા કરી મંદિર શિખરનું જાત નિરીક્ષણ કર્યુ હતું.
ગોમતી નદીની ઉત્તરે સમુદ્રની સપાટીથી 70 ફૂટની ઊંચાઈએ પરિચમાભિમુખ મંદિર જમીન સપાટીથી લગભગ 150 ફૂટ ઊંચું મુખ્ય શિખર ધરાવે છે. જ્યાં બાવન ગંજની દવજા લહેરાય છે. આક્રમણકારો દ્વારા ખંડિત થયા પછી 15મી સદીમાં આ મંદિર પુન:નિર્માણ થયું હોવાનું મનાય છે. પુરાતત્ત્વ વિભાગનાં મંતવ્ય મુજબ હાલનું મંદિર 1200 વર્ષ જૂનું છે. હિન્દુઓનાં ચાર પવિત્ર યાત્રાધામ, સાત પુરી, 68 તીર્થ પૈકીનું આ મંદિર વિશ્વભરનાં શ્રદ્ધાળુઓનું ભાવકેન્દ્ર છે, જેને માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ વિશ્વનાં વિવિધ જાતિ સમુદાયનાં લોકો આદર અને આસ્થાથી નિહાળે છે. હાલનું દ્રશ્યમાન શ્રી દ્વારકાધીશજીનું જગતમંદિર સાત માળનું છે. તે સમુદ્રની સપાટીથી 45 ફૂટ ઊંચે છે. ત્યાં પહોંચવા માટે છપ્પન સીડી ચડવી પડે છે. મંદિરનાં ચોગાનથી સુવર્ણ કળશ સુધીની ઊંચાઈ 126 ફૂટ છે. આ મંદિર વિમાનગૃહ, ભદ્રપીઠ, લાડવા મંડપ અને અર્ધ મંડપ એમ ચાર વિભાગમાં વહેંચાયેલું છે. મંદિરની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 88 ફૂટ છે. ઉત્તર-દક્ષિણ પહોળાઈ 70 ફૂટ છે. એક જ શિલામાંથી કોતરેલા 7ર સ્તંભો ઉપર આ મંદિરની ઈમારત ઊભી છે.
મંદિર ઉપરનો ધ્વજ સ્તંભ 25 ફૂટનો છે. તેની ઉપર 20 ફૂટના ધ્વજ દંડમાં બાવન ગજ કાપડની સૂર્ય-ચંદ્રના નિશાનવાળી સફેદ-પચરંગી ધ્વજા દ્વારકાના નીલરંગી આકાશમાં અહર્નિશ લહેરાયા કરે છે. પુરાતત્ત્વકારના કહેવા મુજબ આ જગત મંદિરનું નિજ મંદિર 12-13મી સદીમાં બંધાયેલ છે. જયારે લાડવા મંડપ કે ભા મંડપ 15-16મી સદીમાં બંધાયેલ છે. આ મંદિરમાં પશુદેહવાળી માનવમુખી, પરી, પાંખવાળા હાથી વગેરે વિદેશી શિલ્પો છે. આ મંદિરમાં મત્સ્ય, નૃસિંહ, વરાહ, પરશુરામ, લક્ષ્મીનારાયણ વગેરે અવતારોની મૂર્તિઓ કોતરાયેલી છે. આ મંદિરમાં મૌર્ય, ગુપ્ત, ગારૂૂલક, ચાવડા, ચાલુક્ય, રાજયકાલીન શિલ્પો પણ છે. જૈન અને બૌધ ધર્મના શિલ્પો પણ છે. નિજમંદિરના દરેક માળ ઉપર સ્વતંત્ર શિખરો બંધાયેલાં છે. રેતાળ પથ્થરોમાંથી કંડારાયેલા આ જગતમંદિરનું શિલ્પ વિવિધ સંસ્કૃતિને ઉદ્ઘાટિત કરતું હોવાથી જગતમંદિર તરીકે પ્રખ્યાત બન્યું છે. મંદિરનાં ઉત્તર તરફના દરવાજાઓ મોક્ષદ્વાર અને ગોમતી નદી તરફથી છપ્પન પગથિયાં (સીડી) દ્વારા પ્રવેશ થાય છે તે સ્વર્ગદ્વાર કહેવાય છે.