સર્ચ કમિટી રદ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ માટે અરજીઓ મગાવાઇ
જન્માષ્ટમી બાદ કાયમી કુલપતિ મળવાની સંભાવના: અરજી માટે તા.20મી અંતિમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી. ઉપરાંત અસંખ્ય વિવાદો વચ્ચે ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા સર્ચ કમિટી રદ કરી અને કાયમી કુલપતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લે કાયમી કુલપતિ તરીકે ડો. નીતિન પેથાણીનો 3 વર્ષનો કાર્યકાળ ગત તા. 06/02/2022ના પૂર્ણ થયો હતો. બાદમાં આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને સિનિયર ફેકલ્ટીના ડીન ડો. ગિરીશ ભીમાણીને યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ બનાવવામાં આવ્યા હતા. જો કે, અનેક વિવાદોને કારણે ભીમાણીને ગત તા. 20/10/2023ના કાર્યકારી કુલપતિ પદેથી દૂર કરવામાં આવ્યા છે. બાદમાં હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. નીલાંબરી દવેને કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો. જેઓ પણ વિવાદથી ઘેરાયેલા રહ્યા.
રાજ્ય સરકાર દ્વારા 8 માસ બાદ ડો. દવેને હટાવી તા. 4/7/2024થી ફરી કાર્યકારી કુલપતિ તરીકે ડો.કમલ ડોડિયાની નિમણૂક કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ કાર્યકારી કુલપતિ તરીકે ડો. કમલ ડોડિયા ફરજ બજાવી રહ્યા છે. જેઓએ 2 દિવસ પહેલા એટલે કે, 05-07-2024ના જ કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. જેઓ સંઘનાં છે અને રાજકોટની PDU મેડિકલ કોલેજમાં આંખ વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓ અગાઉ પણ એટલે કે, વર્ષ 2018માં ફેબ્રુઆરીથી મે એમ કુલ 4 મહિના સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
ડો.ડોડિયાની કાર્યકારી કુલપતિ તરીકે નિમણૂક થઈ તે અગાઉ કાયમી કુલપતિ તરીકે ગુજરાત રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગના અને છજજના ડો. સચિન પરીખનુ નામ ચર્ચાઈ રહ્યું હતુ. જો કે, તેઓ ટેક્નિકલ શિક્ષણમાં હોવાથી તેમનું નામ કેન્સલ થયુ અને સર્ચ કમિટી રદ કરવામાં આવી. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ ધરાવનારા ઉમેદવારો આગામી 20 ઓગસ્ટ, 2024 સુધીમાં અરજી કરી શકશે. જેથી હવે ફરી નવા નામો ચર્ચાશે. હાલના ડો. ડોડિયા પાસે 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ ન હોવાથી તેમની કાયમી કુલપતિ બનવાની સંભાવના નહિવત છે.