ફર્નિચર કામ કરી પરત ફરતા સ્કૂટરચાલકનું બાઈક અડફેટે મોત
સાધુવાસવાણી રોડ પરની ઘટના : આધેડના મોતથી પરિવાર શોકમગ્ન
શહેરમાં 40 ફુટ રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતાં આધેડ ફર્નિચર કામ કરી પોતાના ઘરે પરત ફરતાં હતાં ત્યારે સાધુવાસવાણી રોડ પર અજાણ્યા બાઈક ચાલકે આધડેના સ્કુટરને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, 40 ફુટ રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતાં રાજેશભાઈ નરશીભાઈ બોરીચા નામના 50 વર્ષના આધેડ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું સ્કૂટર લઈ સાધુવાસવાણી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક રાજેશભાઈ બોરીચા ત્રણ ભાઈ બે બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજેશભાઈ બોરીચા ફર્નિચરનું છુટક કામ કરી ઘરે પરત ફરતાં હતાં ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.