બોર્ડના છાત્રો માટે શાળાઓ ચાલુ રાખવી જરૂરી
આ વર્ષે બોર્ડની પરિક્ષાઓ વહેલી અને દિવસો ઓછા; નિર્ભર શળા સંચાલક મંડળની શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત
દર વર્ષની પરંપરા અનુસાર દિવાળીનું વેકેશન રાજ્ય સરકાર દ્વારા 21 દિવસનું જાહેર કરવામાં આવેલું છે. શૈક્ષણિક વર્ષ 2024-25 જૂન 2024માં શરૂૂ થયા બાદ રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના તેમજ જન્માષ્ટમી પછીના દિવસોમાં અતિવૃષ્ટિના કારણે લગભગ 15 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેલું. ત્યારે ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી અમુક શાળાઓમાં ચાલી રહેલા શિક્ષણ કાર્યમાં વાલીઓ, શિક્ષણ વિભાગ તેમજ વિદ્યાર્થી સંગઠનોને સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા અખબારી યાદીમાં જણાવે છે કે આ વર્ષે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ની પરીક્ષા ગયા વર્ષની સરખામણીએ લગભગ 15 દિવસ વહેલી લેવાનું નક્કી કરેલ હોવાથી વિદ્યાર્થીઓના લગભગ 25 જેટલા શૈક્ષણિક દિવસો બગડેલા છે. ત્યારે સ્વનિર્ભર શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષણના વિશાળ હિતમાં દિવાળીની પછીની રજાના દિવસોમાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વાલીઓની પૂર્વ સંમતિ સાથે અને ફક્ત હાજર રહેતા વિદ્યાર્થીઓને રિવિઝન અથવા ડાઉટ સોલ્વિંગ કરવાના ઉદ્દેશ્યથી કોઈ પણ પ્રકારના દબાણ સિવાય શાળામાં બોલાવવામાં આવે છે. આ વધારાના શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારની વધારાની ફી વસુલવામાં આવતી નથી.
શિક્ષકો પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પોતાના વેકેશનના ભોગે વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવે છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વધારાના શિક્ષણ કાર્ય માટે અનુમતિ આપવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને શહેરની અનેક શાળા સંચાલકોની હાજરીમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું. રાજ્ય સરકાર પણ 240 થી 245 દિવસનું શિક્ષણ કાર્ય હોવું જોઈએ તેવો આગ્રહ રાખે છે. ત્યારે આ વધારાના દિવસોમાં વિદ્યાર્થીઓને નહીં ભણાવવામાં આવે તો 193 દિવસ શિક્ષણ કાર્ય ચાલુ રહેશે અને અંતે વિદ્યાર્થીઓને જ સહન કરવાનું આવશે. ત્યારે ફરી એક વખત શાળા સંચાલક મંડળના તમામ હોદ્દેદારો દ્વારા તમામ વાલીઓ, વિદ્યાર્થી સંગઠનો તેમજ સરકારી અધિકારીઓને નમ્ર અપીલ કરે છે કે શિક્ષણના વિશાળ હિતમાં હાલમાં ચાલી રહેલા વધારાના શિક્ષણ કાર્યને અનુમોદના કરવામાં આવે.