શાળા-કોલેજો અને બજાર ઉદ્યોગોએ બંધ પાડી વિજયભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરી
ગુરૂવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાની દૂર્ઘટના બની હતી. આ ઘટનામાં 250થીને વધુ મોત થયા હતાં. આ ગોજારી ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી પણ ઘટનાનો ભોગ બન્યા હતાં. આ બનાવ બનતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પણ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને વિકાસની અનેક ભેટો વિજયભાઈ રૂપાણીએ આપી છે. વર્તમાનમાં રાજકોટ અને સૌરાષ્ટ્રનો વિકાસ વિજયભાઈ રૂપાણીને આભારી છે.
રાજકોટ તેનું ઋણી રહેશે. વિજયભાઈના નિધનથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના રતન અને ગૌરવ એવા સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે આજે શાળા-સંચાલક મંડળ દ્વારા શાળાઓ સંપૂર્ણ બંધ રાખી શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું હતું. અને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારે વેપાર અને ઉદ્યોગજગત દ્વારા પણ અડધો દિવસ સ્વૈચ્છિક રીતે બંધ પાળવામાં આવ્યુ ંહતું. રાજકોટની વિવિધ બજારોએ વેપાર ધંધા બંધ રાખી અને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધા-સુમન અર્પણ કરી તેમના આત્માને તેમજ અન્ય મૃતકોના આત્માના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી. (તસ્વીર : મુકેશ રાઠોડ)