અમદાવાદમાં શિક્ષક પરના હુમલા બાબતે શાળા સંચાલકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ
શાળા અને શિક્ષકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ઉગ્ર રજૂઆત
તાજેતરમા અમદાવાદમા રખીયાલ વિસ્તારમાં આવેલી નુતન ભારતી વિદ્યાલયમાં નજીવી બાબતે શાળામાં શિક્ષક પરના છરી વડે હુમલાની ઘટનાએ સમગ્ર શિક્ષણક્ષેત્રમા ભય અને અસુરક્ષાની લાગણી ઊભી કરી છે. આ દુ:ખદ અને નીંદનીય ઘટના માત્ર એક વ્યકિતના ક્રિમીનલ વર્તનને કારણે, સમગ્ર શિક્ષણ જગત માટે ચિંતાનું કારણ બની છે. આ ગંભીર ઘટનાને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ અને મહામંડળ ગુજરાત દ્વારા સખત શબ્દોમાં વખોડી છે.
આ ઘટનાના અનુસંધાનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો, શાળાના સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા આજરોજ રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારી અને કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે વિવિધ માગણીઓ અંગે યોગ્ય કરવા રજુઆત કરી હતી આ ઘટના અંગે શાળા - સંચાલકોએ હાથ પર કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ નોંધાવ્યો હતો.
રજુઆતમા જણાવ્યુ હતુ કે (1) જિલ્લામાં આવેલી તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં સલામતી માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે. (2) શાળાઓના પ્રવેશદ્વાર અને પરિસરમાં સુરક્ષા કર્મીઓ અને CCTV દ્વારા નિગરાની રાખી અસામાજિક અને ક્રિમીનલ લોકો સામે સુરક્ષાના પ્રવેશ નિયમો અને પગલા ની SOP બહાર પાડવામાં આવે. (3) હિંસાત્મક વ્યવહાર કે હુમલાની ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત પગલાં લેવામાં આવે. (4) શિક્ષકો માટે મનોસામાજિક સલાહકાર કે કાનૂની માર્ગદર્શન માટે જિલ્લા સ્તરે તાત્કાલિક સુવિધા ઊભી કરાવવામાં આવે અને (5) તમામ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ કે સામાજિક રાજકીય સંગઠનો માટે ગાઈડલાઈન અને કાનૂની નિયમો દ્વારા શિસ્ત, માનવતા અને યોગ્ય વ્યવહાર અંગે વ્યવસ્થાપન અંગે તાલીમાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે.
આવા પ્રકારની ઘટનાઓ શિક્ષણજગતના માનસિક આત્મવિશ્વાસને તોડતી હોય છે. તે માટે સ્થાયી અને કડક સુરક્ષા વ્યવસ્થા શૈક્ષણિક સ્થાનો માટે આવશ્યક બની છે. આ આવેદન પત્ર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંડળના સંયોજક અજયભાઈ પટેલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી. વી. મહેતા અને મહામંત્રી પરિમલભાઈ પરડવા દ્વારા તમામ હોદ્દેદારો, સંચાલકો અને શિક્ષકો સાથે રજુ કરવામાં આવ્યું હતું.