કાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે ઉકળાટ બાદ છૂટોછવાયો વરસાદ
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં શનિવારે મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને નિકાવા ખરેડી તેમજ નવાગામમાં છૂટો છવાયો વરસાદ થયો હતો, ઉપરાંત રવિવારે જામજોધપુર ટાઉન અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે વરસાદી ઝાપટા વરસી ગયા હતા.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ ભરેલું વાતાવરણ બનેલું રહેછે, ત્યારે શનિવારે મોડી સાંજે કાલાવડ પંથકમાં હવામાન પલટાયું હતું. જેમાં ખાસ કરીને નવાગામમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો, ઉપરાંત ખરેડીમાં પાંચ મી.મી. અને નિકાવામાં ચાર મી.મી. વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ રવિવારના દિવસે જામજોધપુર પંથકમાં સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શેઠ વડાળામાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું, જ્યારે મોટી ગોપ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છુટો છવાયો વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે. જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે વહેલી સવારથી વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ બનેલુ જોવા મળ્યું હતું, જો કે મેઘરાજાની કોઈ એન્ટ્રી થઈ નથી, અને લોકો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.