For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સબરજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ પકડાયું

03:50 PM Dec 11, 2024 IST | Bhumika
સબરજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ પકડાયું
Advertisement

કરોડોના જમીન કૌભાંડમાં પ્ર.નગર પોલીસની ટીમે ટોળકીને ઉઠાવી લીધી, સ્ટાફની પણ સંડોવણી ખુલવાની આશંકા

પોલીસ પુરાવા એકત્ર કરવામાં લાગી, રાત સુધીમાં ગુનો નોંધાવાની શકયતા

Advertisement

રાજકોટ શહેર જાણે જમીન કૌભાંડનું હબ બન્યુ હોય તેમ એક પછી એક જમીન કૌભાંડો બહાર આવી રહયા છે. ત્યારે રાજકોટ શહેરની ભાગોળે આવેલુ મઘરવાડા ગામની કિંમતી અને કરોડોની જમીન પચાવવા બોગસ દસ્તાવેજો બનાવવાનુ કારસ્તાન પ્રનગર પોલીસની ટીમે પકડી પાડતા ચકચાર મચી ગઇ છે. આ તમામ જમીનો પચીસેક વર્ષ જુની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહયુ છે. તેમજ પોલીસને સબરજીસ્ટ્રાર કચેરીમાંથી અધિકારીનો કોલ આવતા કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતી ટોળકીને ઉઠાવી લઇ પુછપરછ શરૂ કરવામાં આવી છે. તેમજ આ કૌભાંડમાં સબરજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓની સંડોવણી પણ ખુલે તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં. તેમજ પ્રનગર પોલીસ મથકના પીઆઇએ આ કૌભાંડમા આજે રાત સુધીમાં ગુનો નોંધાઇ તેવી સંભાવનાઓ પણ દર્શાવી છે.

આ સમગ્ર ઘટના અંગેની વિગતોમાં સુત્રોમાંથી જાણવા મળી રહયુ હતુ કે જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી સિટી ઝોન-1 અને ઝોન- રમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતા કર્મચારીઓ ડેટા ઓપરેટીંગનું કામ સભાળે છે અને આ કામગીરી સબ રજિસ્ટ્રારની અંડરમાં થતી હોય છે. તેવા સમયે રજિસ્ટ્રાર ખાચર દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને મૌખીક માહિતી આપી હતી કે તેમની કચેરીમાં કામ કરતા તેમના જ કર્મચારીઓ દ્વારા બોગસ દસ્તાવેજ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે તેવી શંકા છે. તેમજ અંદાજે લગભગ 17 જેટલા દસ્તાવેજો બોગસ બનાવવામાં આવ્યા હોય તેવી શંકા દર્શાવી છે. જેથી આ અરજીના આધારે પ્રધ્યુમનનગર પોલીસને તપાસ સોંપવામાં આવી હતી.

આ તપાસને આધારે પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ તેમજ સેક્ધડ પીઆઇ પીયુષ ડોબરીયા, ડી સ્ટાફના પીએસઆઇ બેલીમ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, વિમલભાઇ ધાણજા, જયેન્દ્રસિંહ પરમાર, કનુભાઇ ભમ્મર અને અન્ય પોલીસ સ્ટાફ સહિતનો કાફલો રાતભર આ કૌભાંડના પુરાવા એકત્ર કરવા માટે કામે લાગી ગયો હતો. તેમજ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિતની ટોળકીને ઉઠાવી લઇ તેમની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ પકડાયેલા કોઇ પણ શકમંદ વ્યકિતઓ પુછપરછમાં પોલીસને સહકાર આપી રહયા નહી હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. પ્રનગર પોલીસ દ્વારા અર્જુન ઝાલા, જયદીપ ઝાલા અને જયેશ નામના ત્રણ કર્મચારીઓને સકંજામાં લઇ પ્રનગર પોલીસ મથકની અલગ અલગ ટીમો દ્વારા પુછપરછ કરી પુરાવા એકત્રીત કરવામાં આવી રહયા છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે આ બોગસ દસ્તાવેજ ઉભા કરનાર ટોળકી દ્વારા અંદાજીત પચીસેક વર્ષ જુની મઘરવાડાની કરોડોની કિંમતની જૂની શરતમાં બનાવવામાં આવેલા દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી છે. કે જે જમીનના વારસદારો કોઇ છે નહી અને જમીન માલિક અવસાન પામ્યા છે. આવી જમીનોના બોગસ દસ્તાવેજો બની ચુકયા છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ અમુક જમીનોના દસ્તાવેજો સાથે છેડછાડ કરી હોવાની શંકા પણ સેવાઇ રહી છે. ડેટા ઓપરેટરો જયારે કામ પર આવે ત્યારે તેઓની આઇડી મારફત કામગીરી થતી હોય છે. આ ઘટના મામલે હાલ પ્રધ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટ અને પીઆઇ પીયુષ ડોબરીયાની રાહબરીમાં તમામ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ રાત સુધીમા ગુનો નોંધાય તેવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબ લોકોની જમીન હાથમાંથી ન સરકી જાય તે માટે સરકારે નવા-નવા કાયદાઓ અને નિયમો ઘડયા છે. તેના થકી બોગસ દસ્તાવેજનું ચલણ ઘટયું છે. પરંતુ અંદરના જ કર્મચારીઓ જયારે ફૂટી જાય ત્યારે કૌભાંડીને જમીન પચાવવામાં અને બોગસ દસ્તાવેજ બનાવવામાં મોકળુ મેદાન મળી જાય છે.

શકમંદ જયદીપ ઝાલાના સ્કૂટરમાંથી દારૂની બોટલ અને 1 લાખની રોકડ મળી આવી !
જૂની કલેકટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કર્મચારીઓ દ્વારા બોગસ દસ્તાવેજ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ મળતા પ્રધ્યુમનનગર પોલીસની ટીમના પીએસઆઇ બેલીમ અને જયેન્દ્રસિંહ પરમાર સહીતના સ્ટાફે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરોનુ સુપર વિઝન કરતા જયદીપ શાંતિલાલ ઝાલાને ઉઠાવી લીધો હતો અને તેમની પુછપરછ કરવામાં આવી રહી હતી. ત્યારે પોલીસે તેમની એકટીવાની તલાસી લેતા તેમાથી 1.17 લાખની રોકડ મળી આવી હતી અને એક અડધી દારૂની બોટલ પણ મળી આવતા તેમની પાસેથી 1.67 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જયદીપની પુછપરછ કરતા તેમણે આ રકમ સેવીંગની હોવાનુ જણાવ્યુ હતુ. જો કે પોલીસને તેની વાત ગળે ન ઉતરતા તેમની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ 12 હજારનો પગારદાર જયદીપ પાસેથી 1 લાખ જેવડી મોટી રકમ મળી આવતા રકમ કયાથી આવી એ મામલે હાલ તપાસ થઇ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement