સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 થી 2015 સુધીના અભ્યાસક્રમની પરીક્ષા લેશે: પરિપત્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 2010 થી 2015 સુધીમાં અભ્યાસ કરેલા અને નાપાસ કે એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે યુનિવર્સિટી દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. એનએસયુઆઇ દ્વારા ઉગ્ર રજુઆત કરતા સતાધીશો દ્વારા તાકીદે પરિપત્ર બહાર પાડી અને પરીક્ષાની જાહેરાત કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા પરીપત્રમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ વિધાશાખાની કોલેજોનાં આચાર્યશ્રીઓ, સંલગ્ન ભવનના અધ્યક્ષશ્રીઓ તેમજ માન્ય સંસ્થાઓના વડાઓને જણાવવાનું કે ઉપરોકત સંદર્ભના ઠરાવ મુજબ પરીક્ષા વિભાગ દ્રારા વર્ષ-2016 થી 2018 સુધીના અભ્યાસક્રમની પરીક્ષા (રેગ્યુલર/બાહ્ય) વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ. વર્ષ-2010 થી 2015 સુધીના રેગ્યુલર અભ્યાસક્રમ કરતા હતા વિધાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાયેલ હોય પરંતુ બાહ્ય અભ્યાસક્રમ કરતા વિધાર્થીઓના સોફટવેરની ટેકનીકલ ખામીના કારણે ફોર્મ ભરાયેલ ન હતા. આગામી નવેમ્બર માસમાં તમામ (બાહ્ય) વિધાર્થીઓના અભ્યાસક્રમના પરીક્ષા ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થશે. જેથી આગામી ડીસેમ્બર માસના પ્રથમ અથવા પ્રિતય માસમા વર્ષ-2010 થી 2015 સુધીના વિધાર્થીઓનુ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
વધુમાં એનએસયુઆઇએ રજુઆતમાં માંગ કરી હતી કે બીએચએમએસ (બેચરલ ઓફ હોમિયોપેથીક મેડીસીન એન્ડ સર્જરી) દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓના પરિણામમાં ગંભીર વિસંગતતાઓ અને અન્યાય થયાની વ્યાપક ફરીયાદો છે. અનેક મહેનતુ વિદ્યાર્થીઓને અયોગ્ય રીતે નાપાસ કરવામાં આવ્યા હોવાનું જણાય છે. જેનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર ગંભીર અસર પડી છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં ઘણા સમયથી એકસટર્નલ અભ્યાસક્રમોમાં પ્રવેશ બંધ છે. આ નિર્ણય એવા વિદ્યાર્થીઓ માટે અયોગ્ય છે જેઓ નોકરી, વ્યવસાય કે અન્ય મજબુરીને કારણે નિયમીત અભ્યાસ માટે કોલેજમાં હાજર રહી શકતા નથી. પરંતુ આવા વિદ્યાર્થી માટે યુનિવર્સિટી દ્વારા એડમીશન પ્રક્રીયા ચાલુ કરવામાં નથી આવી તો જલ્દી એડમીસન પ્રક્રિયા શરૂ કરવામાં આવે. તેમ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીતનાની યાદીમાં જણાવ્યું છે.