સૌ. યુનિવર્સિટી 10 લાખના ખર્ચે બનાવશે ક્રિકેટ બોકસ
રાજકોટમા યુવાધન ક્રિકેટ પાછળ ગાંડુ છે અને તેમા ટી-20 ની રમતે ઘેલુ લગાડયું છે મેદાનો ઘટતા હવે બોકસ ક્રિકેટનુ પ્રમાણ વધ્યુ છે. શહેરનાં વિવિધ વિસ્તારમા ક્રિકેટ બોકસ કમાણીનુ સાધન બન્યુ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આ દિશામા આગળ વધી છે અને ક્રિકેટ બોકસ બનાવવા રૂ. 10 લાખની જોગવાઇ કરવામા આવી છે જે નજીવા દરથી ભાડે આપવામા આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરેશ રાબાએ જણાવ્યું હતુ કે, હાલમાં જે રીતે ઇન્ડિયામાં રેગ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગની પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતા લોકોમાં ક્રિકેટ રમવા માટેનું ઉત્સાહ ખૂબ જ વધ્યો છે. રાજકોટમાં તો છેલ્લા એક વર્ષમાં બોક્સ ક્રિકેટમાં ક્રેઝ ખૂબ જ વધારે જોવા મળે છે. જેમાં મોટા ભાગે લોકો નાઈટ ક્રિકેટ રમતા હોય છે, જે સાંજના સમયે રાખવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેલાડીઓ અને લોકોને બોક્સ ક્રિકેટનો લાભ મળે તે માટે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ બોક્સ ક્રિકેટમાં પ્રેક્ટિસ કરવા માટે આવી શકે તે માટે આયોજન કરી રહ્યા છીએ. જે માટે રૂૂપિયા 10 લાખની ફાળવણી પણ કરવામાં આવેલી છે. નજીકના સમયમાં જ બોક્સ ક્રિકેટ બનાવવા માટેની તૈયારી કરી રહ્યા છીએ.
મેદાનને મેન્ટેનન્સ કરવા માટે આર્થિક ઉપાર્જન ખૂબ જ જરૂૂરી છે. એટલા માટે જ બધા જ ખેલ-કૂદના મેદાન અને બોક્સ ક્રિકેટ એટલા માટે બનાવીએ છીએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓને તેમાં પ્રેક્ટિસ કરવા મળે. આ રીતે આર્થિક ઉપાર્જન પણ થાય અને તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પણ પોઝિટિવ છે.
રાજકોટ શહેરમાં અન્ય જગ્યાએ બોક્સ ક્રિકેટ ચાલે છે, ત્યાં જેટલી ફી હશે તેના કરતાં 100થી 200 રૂૂપિયા ઓછી ફી રાખશું. નોમિનલ ચાર્જ નહીં રાખીએ, પરંતુ મેન્ટેનન્સ સારી રીતે થાય, મેન્ટેનન્સ ખર્ચ નીકળે અને તમામ લોકોને પોષાય તે પ્રકારની ફી રાખવામાં આવશે. અંદાજે આગામી બેથી ત્રણ મહિનામાં બોક્સ ક્રિકેટ તૈયાર થઈ જશે.