સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવ્યા: NSUI
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે, ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનારા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. આ મામલે ગજઞ દ્વારા યુનિવર્સિટી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
NSUI દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની બેદરકારીના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આશ્ચર્યજનક રીતે, જે વિદ્યાર્થીઓએ ખરેખર પરીક્ષા આપી છે અને જેમની હોલ ટિકિટ પર સુપરવાઇઝરની સહી પણ છે, તેમને પણ પરિણામમાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે. આવા અનેક વિદ્યાર્થીઓ ખુદ મીડિયા સામે આવીને પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે.
NSUIનો આક્ષેપ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ વારંવાર આવા છબરડા કરે છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે. આ બેદરકારીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવી રહ્યા હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવી રહ્યું નથી. યુનિવર્સિટીની આ બેદરકારીના કારણે અનેક વિદ્યાર્થીઓના પરિણામો લટકી ગયા છે, જેનાથી તેમના શૈક્ષણિક કારકિર્દી પર પ્રશ્નાર્થ સર્જાયો છે. આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માગણી ઉઠી છે.