સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આખરે પાંચ વર્ષ માટે મળ્યા કાયમી વાઈસ ચાન્સેલર
ગુજરાત યુનિ.ના ફિઝિક્સ ભવનના વડા ડો. ઉત્પલ જોશીની કુલપતિ તરીકે નિયુક્તિ
છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ચાર્જથી વહીવટથી ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અંતે કાયમી કુલપિત મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના વડા ડો. ઉત્પલ જોશીને પાંચ વર્ષ માટે કાયમી નિમણુંક કરવામાં આવી છે. ડો. ઉત્પલ જોશીની નવી શિક્ષણ નિતિના સ્ટેચ્યુર મુજબ નિયુક્તિ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિની જાહેરાત કરતા જ કુલપતિની ખુરશી પર મીટ માંડી બેઠેલા કેટલાક સિનિયર અધ્યાપકો અને જેના નામ ચર્ચામાં હતા તેઓને ઝટકો લાગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાદોમાં સંપડાયેલી યુનિવર્સિટીને નવી દિશા મળસે અને રાજકારણથી પર શિક્ષણ બાળકોને મળી રહેશે તેવી ચર્ચા થઈ રહી છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી મનોજ વાઘે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના પ્રોફેસર ડો. ઉત્પલ શશિકાંત જોષીને રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ બનાવવામાં આવે છે. જેમની ટર્મ 5 વર્ષની રહેશે. જેથી હવે હાલના કાર્યકારી કુલપતિ ડો. કમલસિંહ ડોડિયા ફરી સિવિલ હોસ્પિટલમાં આંખના તબીબ તરીકે ફરજ બજાવશે.
ડો. ઉત્પલ જોશી વર્ષ 2002માં સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાતી યુનિવર્સિટીમાં રીડર તરીકે પસંદગી પામ્યા હતા. બાદમાં જાપાનની ટોક્યો ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં વર્ષ 2004માં વિઝિટીંગ સાયન્ટીસ્ટ હતા. જ્યારે વર્ષ 2005માં ગુજરાતી યુનિવર્સિટીમાં રીડર અને બાદમા 2009થી અહીં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના અત્યાર સુધીમાં 44 રિસર્ચ પેપર પબ્લીશ થયા છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ એવોર્ડ મેળવી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે.