સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી, નિમણૂક, રાજીનામા મુદ્દે ફરી વિવાદમાં
વિવાદિત એસોસિએટ પ્રોફેસરોની ભરતીમાં 10ને નિમણૂક પત્રો આપ્યા
ભવનના પ્રોફેસરોને બદલે કોલેજોના આચાર્યોને ડિપાર્ટમેન્ટના હેડ બનાવાયા
ભરતી, પેપર ચોરીમાં ફસાયેલા પૂર્વ કુલપતિ ડો.ભીમાણીનું રાજીનામું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા અઢી વર્ષથી ઇન્ચાર્જ કુલપતિના હવાલે છે અને તેના કારણે વહીવટી પ્રક્રિયા જટીલ બની ગઇ છે. ધણીધોરી વગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં ચાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવેલા ઇન્ચાર્જ કુલપતિઓ પણ વિવાદમાં આવી ચુકયા છે. અને સરકાર દ્વારા બે કુલપતિને હરાવી અન્યને ચાર્જ સોંપવામાં આવ્યો છે જેમાં નવા ઇન્ચાર્જ કુલપતિ દ્વારા પણ વિવાદીત એસોસીએટ પ્રોફેસરની ભરતીમાં નિમણુંક પત્રો આપતા અને ડિનની પસંદગી કરતા ફરી વિવાદ સર્જાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વના ગણાતા હોદા, કુલપતિ, રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક સહીતની પોસ્ટ પર ઇન્ચાર્જથી વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પરીક્ષા નિયામક અને રજીસ્ટ્રારની કાયમી નિમણુંક કરવામાં આવી હતી પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણધામ મટી રાજકીય અખાડો બની હોય કાયમી નિમણુંક પામેલા અધિકારીઓને જુદા જુદા કારણો આપી રાજીનામા ધરી દીધા હતા.જેથી તમામ હોદા હાલ કાયમી સતાધારી વિહોણા થઇ ગયા છે.
નવા આવેલા ઇન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડીયા દ્વારા ગઇકાલે બે ઓર્ડર કર્યા હતા. તેનાથી નવો વિવાદ સર્જાયો છે. જેમાં એક વર્ષ અગાઉ એસોસીએટ પ્રોફેસરની ભરતીમાં લાગતા વળગતાને ઓર્ડર અપાયા હોવાના આક્ષેપ થયા હતા. તે ભરતી પ્રક્રીયા રોકવામાં આવી હતી. જેમાં ફરી નિમણુંક પત્રો અપાયા છે અને ડિનના પણ ઓર્ડર અપાતા વિવાદ સર્જાયો છે.
2027માં નિવૃત્ત થતા ડો.ભીમાણીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ અને આંકડાશાસ્ત્ર ભવનના પ્રોફેસર ગીરીશ ભિમાણીએ સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધુ હતું. પરંતુ હજી તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. ગિરીશ ભિમાણી 2024માં બે વર્ષ અગાઉ રાજુનામુ ધરતા અનેક તર્ક વિર્તક થઇ રહ્યા છે. અગાઉ ઘણા વિવાદોમાં રાખડાઇ ચૂક્યા છે. તેઓ 2022થી ઓક્ટોબર 2023 સુધી ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે.
બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વગર જ પ્રોફેસરનો ઓર્ડર
ઇન્ચાર્જ કુલપતિ અને રજિસ્ટ્રાર દ્વારા એક વર્ષ પહેલાની વિવાદીત એસોસિએટની ભરતીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વગર જ રાતોરાત નિમણુંકના ઓર્ડરો આપી દેવામાં આવ્યો છે. તેમાં પણ કોંગ્રેસના નેતા ડો.નિવૃત બારોટના બહેનને પૂરતો અનુભવ ન હોવા છતા પણ નિમણુક આપી હોવાથી વિવાદ સર્જાયો હતો. લાગતા વળગતાને ભરતીમાં ઓર્ડર કરાયા હોવાની રજુઆત થતા તે ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. જેમાં ગઇકાલે રજીસ્ટ્રાર અને કુલપતિ દ્વારા બંધ બારણે બેઠક કરી અને રાતોરાત 10 એસોસિએટ પ્રોફેસરોને નિમણુક પત્રો અપાતા નવો વિવાદ છેડાયો છે.
કોલેજોના આચાર્યોને ભવનના અધ્યક્ષ બનાવી દેવાયા
13 ભવનના ડિનની જાહેર કરાઇ હતી તેમાં 11 કોલેજના આચાર્ય છે જયારે બે ભવનમાં તેજ ભવના પ્રોફેસરોને નિમણુંક અપાઇ છે. જાહેરાત મુજબ આર્ટસમાં નયનાબેન અંટાળા, એજયુકેશનમાં કોંગ્રેસ નેતા ડો.નિદત બારોટ, સાયન્સમાં કલ્પેશભાઇ ગણાત્રા, કાયદામાં જયોતિબેન ભગત, મેડીસીનમાં જતીન ભટ્ટ, કોમર્સમાં પ્રિતિબેન ગણાત્રા, મેનેજમેન્ટમાં સંજય ભાયાણી, આર્કિટેકમાં દેવાંગ પારેખ, હયુમીનીટી અને સામાજીક વિજ્ઞાનમાં સામંત પુરોહિત, કોમ્પ્યુટર સાયન્સમાં ચંદ્રેશ કુંભારાણા, ગ્રામ્ય વિર્ધ શાખામાં નટવરલાલ ઝાટકીયા, હોમ સાયન્સમાં દક્ષાબેન મહેતા અને લાઇફ સાયન્સમાં રાહુલ કુંડુને નિમણુંક અપાઇ છે. જેનાથી ભવનના ઘણા સિનિયર પ્રોફેસરો ડિન બનતા રહી ગયા હોવાથી વિવાદના એંધાણ દેખાઇ રહ્યા છે.