For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જય જલારામના નાદથી ગુંજી ઉઠયું સૌરાષ્ટ્ર : બાપાની જયંતિની ધામધૂમથી ઉજવણી

11:28 AM Oct 30, 2025 IST | admin
જય જલારામના નાદથી ગુંજી ઉઠયું સૌરાષ્ટ્ર   બાપાની જયંતિની ધામધૂમથી ઉજવણી

ભોજન પ્રસાદ, રાસોત્સવ, પ્રભાત ફેરી, શોભાયાત્રા, અન્નકુટ દર્શન, સાધુ ભોજન સંતવાણી મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા

Advertisement

જયા ટુકડો ત્યા હરી ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે. પૂજ્ય બાપાની 226મી જન્મ જયંતિ નિમિતે આજે બાપાની જન્મ ભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતાં. મંદિરની બંને બાજુ એક એક કિમીની કતારો લાગી ગઈ હતી.

આજે પૂજ્ય બાપાના પરીવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતાં. જલારામ જયંતીની ઉજવણી માટે વીરપુરવાસીઓ દ્વારા પણ ઘરેઘરે રંગોળી, દરવાજે આસોપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે. તેમજ ભાવિકો માટે વીરપુર પહોચવાના રસ્તાઓ પર ચા પાણી, નાસ્તા,સરબત તેમજ છાશના પરબ અને ઠેરઠેર પ્રસાદ વિતરણ કરવામા આવ્યા હતા. બાપાની 226મી જન્મ જયંતી નિમિતે વીરપુરના સેવા ભાવિ યુવાનો દ્વારા 226 કિલો કેક બનાવવા આવી હતી.યુવાનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની આરતી ઉતારીને 226 કિલોની કેક કાપી વીરપુરવાસીઓ અને આવેલ ભક્તોને પ્રસાદી રૂૂપે આપવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગ નિમિતે બહોળી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા પહોંચ્યાં હતાં. દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી,226 કિલો ની કેક કાપીને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરાય હતી.

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈને જલીયાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાવામાં આવી,આ શોભાયાત્રા મીનળવાવ ચોક ખાતે થી વિરપુર પોલીસના પીઆઇ એસ.જી.રાઠોડ દ્વારા મહા આરતી ઉતારીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકોને 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું, સાથે પૂજ્ય જલારામ બાપાએ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદ થી સદાવ્રતની શરૂૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલાબાપાની 226મી જન્મ જયંતિ હોવાથી 226કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રા માં ભાવિકોને આપવામાં આવ્યો હતો,પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ હોવાથી વીરપુર વાસીઓમાં અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,અને વીરપુર ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા.

ભાવનગર
વિશ્વ વંદનીય અને સમર્થ સંત જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની જલારામ મંદિર ,આનંદનગર, ભાવનગર ખાતે પૂજ્ય બાપાની જન્મ જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિર આનંદનગર ખાતે સવાર થી મોટી સંખ્યા માં પૂ બાપા ના ભક્તો નું જાણે ઘોડાપુર હોય તેમ લોકો મોટી સંખ્યા માં દર્શન માટે આવી પહોંચ્યા હતા.પૂ.બાપા ના સૂત્ર મુજબ ભજન અને ભોજન સેવા અવિરત ચલાવવા માં આવી હતી.

જલારામ મંદિર આનંદનગર પૂજ્ય બાપાની જન્મ જયંતીના દિવસે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની યોજાયા હતા જેમાં ધજા પૂજન,બાપા નું પૂજન, પૂજ્ય બાપાને 250 થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરવા માં આવ્યો હતો જે ભક્તજનો દ્વારા તેમના ઘરે થી અલગ અલગ વાનગીઓ બનાવી ને ભગવાન ને ધરી હતી.અન્નકૂટ ના દર્શન માટે અને ભજન ધૂન માટે બહોળી સંખ્યા માં બહેનો ઉપસ્થિત રહી ને સમૂહ ધૂન અને મહા આરતી કરી હતી. બપોરે 12.15 કલાકે પૂજ્ય બાપાની મહાઆરતી કરવા માં આવી હતી. જલારામ જયંતીના દિવસે મંદિર સવારે પાંચ કલાકથી રાત્રિના 9:30 કલાક સુધી બાપા ના દર્શન માટે ખુલ્લું રાખવા માં આવ્યું હતું.

બાપા ની જ્યંતી નિમિતે જલારામ મંદિર આનંદનગર અને રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહકારથી રક્તદાન શિબિર, 200 થી વધારે લોકો નું જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો અને 40 થી વધુ રક્તદાતાઓ એ રક્તદાન પણ કર્યું હતું.

વાંકાનેર
સંત સિરોમણી જલારામ બાપાની તા.29ના રોજ 226મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરના હાર્દ સમા એવા માર્કેટ ચોકમાં જલારામ ગ્રુપ તથા ગણેશ ઉત્સવ સમીતી દ્વારા બાબાની ઝુપડી રામ કુટીર ઉભુ કરી પુજય બાપાની ભાવ વંદના સાથે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની વિશેષ ઉપસ્થિતિમાં વાંકાનેર શહેરનાં તમામ નગરજનો માટે દર્શન- પ્રસાદનો પ્રારંભ દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. જેમાં હજારો બાપાના ભકતજનો રાહદારી ભાઇઓ- બહેનો અને બાળકોને શુધ્ધ ઘીના બુંદી ગાંઠીયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હતો.

આ તકે ધારાસભ્ય જીતુભઇ સોમાણી, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણી, રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઇ નાગ્રેચા, યુવક મંડળના ધર્મેશભાઇ ભીંડોરા, શ્યામભાઇ કોટક, ઉપપ્રમુખ અમિતભાઇ સેજપાલ, પાલીકા ઉ.પ્રમુખ હર્ષિતભાઇ સોમાણી, નિર્માણાધીન રામધામના ટ્રસ્ટી વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર, આર.ટી. કોટક, મોરબી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશ્વિનભાઇ મેઘાણી, પાલીકા પુર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, જલારામ ગ્રુપના જીતેશભાઇ રાજવીર, રાજભાઇ સોમાણી, ભૌમીક ખીરૈયા, અમીત સેજપાલ, સંજયભાઇ જોબનપુત્રા, વિપુલ કોટક, મહાજન ટ્રસ્ટી આર.ટી. કોટક, પાલીકાના વર્તમાન અને પુર્વ સદસ્યો સહીત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓએ બાપાના રંગમાં રંગાઇ તન મન ધનથી જોડાઇ જય જય જલારામના જયઘોષ સાથે જોડાઇ સેવા આપવામાં આવી હતી.

જામખંભાળિયા
જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિજનોના સમુહ પ્રસાદ (નાત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો રઘુવંશી ભાઈઓ-બહેનોએ સાથે નાત જમણ કર્યું હતું.
જલારામ જયંતીના પાવન પર્વ નિમિત્તે અત્રે છેલ્લા આશરે ચાર દાયકા જેટલા સમયથી જ્ઞાતિના ભાઈઓ-બહેનોના સમૂહ ભોજન (નાત)નું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ ગઈકાલે બુધવારે જલારામ જયંતિ નિમિત્તે બપોરે સારસ્વત માસ્તાન બાદ સાંજે રઘુવંશી જ્ઞાતિના બહેનો માટે તેમજ રાત્રે જ્ઞાતિના ભાઈઓ માટે સમૂહ પ્રસાદ (નાત) નું સુંદર અને સુવ્યવસ્થિત સ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

સલાયા
સલાયામાં 226 મી જલારામ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. જેમાં વહેલી સવારથી જલારામ મંદિરે મહાઆરતી તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.જ્યારબાદ વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને લોહાણા મહાજન વાડીમાં બપોરે સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી લીધી હતી.આ ધાર્મિક પ્રસંગમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના એસપી જયરાજસિંહ વાળા સાહેબ તેમજ ડીવાયએસપી વિસ્મય માનસેતા,ખંભાળિયા નગર પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, મોહિતભાઈ મોટાણી, રઘુવંશી અગ્રણી અને નગરપાલિકા ખંભાળિયાના પૂર્વ ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામને સલાયા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઇ લાલ,ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી તેમજ વૃજલાલ બથિયા દ્વારા આવકાર્યા હતા.આ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમિતિ તેમજ લોહાણા મહાજનના સભ્યોએ તેમજ સમસ્ત હિન્દુ સમાજના લોકોએ જહેમત ઉઠાવી હતી.

મોટી પાનેલી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મા આજે જલારામબાપાની 226 મી જન્મજયંતિ ની ધામે ધૂમે ઉજવણી કરવામાં આવેલ અત્રેના લોહાણા મહાજન ખાતે બાપાની જન્મજયંતિ પ્રસંગે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ સાથે બ્રહ્મ ચોર્યાસી મા સમસ્ત ગામના બ્રહ્મ સમાજ સાથે બાવાજી સમાજ ને ભોજન પ્રસાદ બાદ બાપાને બાવન જાતના પ્રસાદ સાથે અન્નકૂટ ધરાવી બાપાની દિવ્ય આરતી ઉતારવામાં આવેલ બાપાને સુશોભિત રથ મા શણગારી મુખ્ય બજારોમાં ભવ્ય શોભાયાત્રા મા સમસ્ત રઘુવંશી સમાજના વડીલો યુવાનો માતાઓ બાળકો બહેનો એ ડીજે ના તાલે રાસ ગરબા લઈ ફટાકડા ની ધૂમ મચાવી બાપાની જયંતિ રંગે ચંગે ઉજવણી કરી હતી.

કોડીનાર
જલારામ બાપાની 226 મી જન્મજયંતિ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું કોડીનારમાં જલારમબાપાની 226 મી જન્મ જયંતી પ્રસંગે શ્રમજીવી વસાહત માં ભોજન પ્રસાદ વિતરણ, જલારામ રાસોત્સવ, જલારામ જન્મોત્સવ, પ્રભાતફેરી,શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, સાધુભોજન, બન્ને ટાઈમ જલારામ મહાપ્રસાદ,સન્માન સમારોહ, મહાઆરતી, પૂજન,સંતવાણી સહિતના અનેકવિધ કાર્યક્રમોનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સાવરકુંડલા
સાવરકુંડલામાં જલારામ જયંતી નિમિત્તે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. સાવરકુંડલા ખાતે જલારામ બાપાના 226 માં પ્રાગટ્ય દિન નિમિત્તે લોહાણા મહાજન અને સમસ્ત જ્ઞાતિ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સાવરકુંડલા રઘુવંશી સમાજની પરંપરા મુજબ 29 ઓક્ટોબર 2025 બુધવારના સમૂહ જ્ઞાતિ ભોજન લોહાણા મહાજન વાડી ખાતે યોજાયું હતું. જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ તકે મંગળા આરતી સવારે 5:30 કલાકે, પૂજન અર્જન સવારે 7:00 કલાકે ધ્વજારોહણ સવારે 8:00 કલાકે યોજાયું હતું. અને સાવરકુંડલા શહેરના માર્ગો પર શોભાયાત્રા સવારે 9:00 કલાકે નીકળી હતી જેમાં લોહાણા સમાજના આગેવાનો તથા સાવરકુંડલા શહેર તથા તાલુકાના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સાવરકુંડલા રઘુવંશી સમાજના જ્ઞાતિજનો વડીલો યુવાનો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાના ચરણોમાં વંદન કરી બધાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનઠક્કરજી મહારાજ,રાજબાઈ માતા ભોજલરામ બાપા, હરિરામ બાપા વીરબાઈ માતાના ચરણોમાં વંદન કરી બધાએ ધન્યતા અનુભવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.અને જય જલીયાણ કર કલ્યાણ નો નાદ ગુંજી ઉઠ્યો હતો.

વેરાવળ
વેરાવળ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 226 મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોટી શાક માર્કેટમાં આવેલ જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ બાદ બપોરે અને સાંજે મહાઆરતી થયેલ તેમજ વિવિધ વાનગીઓ નો અન્નકૂટ પૂ.બાપાના ચરણોમાં ધરવામાં આવેલ જેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. મંદિરે રંગબેરંગી લાઈટ અને ફૂલોથી શણગાર કરવામાં આવેલ હતો.

આજે બપોરે મંદિરેથી પૂ.જલાબાપાની શોભાયાત્રા સમાજના અગ્રણીઓની હાજરીમાં પ્રારંભ થયેલ જે વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રામાં ફટાકડા ની આતશબાજી તેમજ ડીજેના તાલે રઘુવંશી ભાઈઓ-બહેનો નાચ-ગાન કરી ઝુમી ઉઠયા હતા. શોભાયાત્રાનું રાજમાર્ગો પર ઠેર-ઠેર વિવિધ સમાજ અને સંસ્થા ઓએ સ્વાગત કર્યુ હતુ.

જલારામ બાપાના ચરણોમા શીશ ઝૂકાવતા ધારાસભ્ય જયેશ રાદડિયા
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી શ્રી પૂજય જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમીતે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતીએ વીરપુર આવીને પૂજ્ય જલારામ બાપાને શિષ ઝુકાવ્યું હતું, જયેશભાઈ રાદડિયા સાથે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા તેમજ પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા અને વીરપુર ગામના યુવા ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજનાં પ્રમુખ જગદીશભાઈ સરવૈયા સહિતના આગેવાનોએ પણ પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement