For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર બન્યું જલારામમય; જલ જલિયાણના નાદ સાથે બાપાની જયંતિની ઉજવણી

01:09 PM Oct 29, 2025 IST | admin
સૌરાષ્ટ્ર બન્યું જલારામમય  જલ જલિયાણના નાદ સાથે બાપાની જયંતિની ઉજવણી

મહાઆરતી, નૂતન ધ્વજારોહણ, શોભાયાત્રા, મહાપ્રસાદ, ધૂન, ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન

Advertisement

સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રભરમાં અનેરા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જલારામ જયંતીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરોને અનોખા સાજ-શણગારથી સજાવામાં આવ્યું હતું. મહા આરતી, નૂતન ધ્વજારોહણ, અન્નકુટ દર્શન, મહાપ્રસાદ, શોભાયાત્રા બાદ નાતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં હજારો ભકતો જોડાયને ધન્યતા અનુભવી હતી.

વીરપુર
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈને જલીયાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જે શોભાયાત્રા વીરપુરના મીનળવાવ ચોક ખાતે થી પ્રસ્થાન થશે અને વીરપુરના રાજ માર્ગો પર નિકળશે, આ શોભાયાત્રામાં ભાવિકોને 226 કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, આયોજક સંજયભાઈ ઠૂંગાએ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાએ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદ થી સદાવ્રતની શરૂૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલાબાપાની 226મી જન્મ જયંતિ હોવાથી 226 કિલો બુંદી નો પ્રસાદ શોભાયાત્રા દરમિયાન ભાવિકોને આપવામાં આવશે જેમના પેકેટની તૈયારીઓ હાલ શરૂૂ કરી દેવામાં આવી છે,પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી હોવાથી વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકોનો સંઘ આજે વિરપુર આવી પહોંચ્યો હતો,સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર જલારામ બાપાની આરતી તેમજ ધૂન બોલીને પૂજ્ય જલા બાપાની પાવન ભૂમિના દર્શન કરી જલારામ બાપાને ખાસ પ્રાર્થના કરી હતી,આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે 100 થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા સંઘ લઈને દિવાળી પહેલા સુરત ગભેણીથી નીકળ્યા હતા અને આજે પૂજ્ય જલારામ બાપાના ધામ વીરપુર પહોંચ્યા હતા વરસાદી વાતાવરણ હોવા છતાં કોઇપણ પદયાત્રીઓને બાપાની કૃપાથી કાંઈ પણ મુશ્કેલીઓ પડી નથી,જલાબાપામાં અતૂટ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ ધરાવતા આ પદયાત્રીઓએ ‘જય જલારામ’ ના નારા લગાવ્યા હતા અને વાતાવરણ જલારામમય બન્યું હતું.

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ આગામી 29 ઓક્ટોબર બુધવારે રોજ હોવાથી બાપાની જયંતી ઉજવવા માટે યાત્રાળુઓ દેશ-વિદેશ તેમજ દૂર દૂર થી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના સુપા નવાગામ થી 100 જેટલા યુવાનો સાયકલ લઈને 500 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા હતા, જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો ચાર દિવસ પહેલા નવસારી થી સાયકલ યાત્રા શરૂૂ કરી હતી જે આજ રોજ વીરપુર આવી પહોંચ્યા હતાં.

વેરાવળ
વેરાવળમાં મોટી શાકમાર્કેટ પાસે આવેલ શ્રી જલારામ મંદિરે પૂજ્ય બાપાની જન્મ જયંતી પ્રસંગે તા.29 ના બુધવારે સવારે સાત કલાકે આરતી, સવારે 8-30 કલાકે પૂજ્ય બાપા નુ પૂજન, સવારે 11-30 કલાકે ધ્વજારોહણ, બપોર 12-30 કલાકે તથા સાંજે 7-00 કલાકે નાસીક ઢોલ નગારા સાથે મહાઆરતી રાખેલ છે અને બપોરે ચાર થી રાત્રે અગીયાર વાગ્યા સુધી અન્નકૂટ દર્શન રાખેલ છે. આ ઉપરાંત પૂજ્ય જલારામ બાપા ની ભવ્ય શોભાયાત્રા બપોરે ત્રણ કલાક મંદિરેથી નીકળનાર હોય જેમાં સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા એક યાદીમાં જણાવેલ છે.

સલાયા
આજે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતી છે. જે અનુસંધાને સલાયા લોહાણા મહાજન, સલાયા જલારામ અન્નક્ષેત્ર અને જલારામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 7.30 વાગ્યે જલારામ મંદિરે મહા આરતી કરવામાં આવશે.ત્યારબાદ 10 વાગ્યે નૂતન ધ્વજારોહણ જેમાં સલાયા રઘુવંશી સમાજના અગ્રણી અને ગૌ સેવક વિપુલભાઈ સાયાણી તેમજ સલાયા મરીન પોલીસના દેવેન્દ્રસિંહ જાડેજા પૂજન કરાવશે.જ્યારબાદ 11 વાગ્યે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સલાયાના વિસ્તારમાં નીકળશે તેમજ ત્યારબાદ સલાયા લોહાણા મહાજનવાડીમાં સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજન (નાત) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ હિન્દુ સમાજના લોકો તેમજ જલારામ સેવા સમિતિ અને લોહાણા મહાજનના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.આ સુંદર પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર સાહેબ, એસપી સાહેબ,તેમજ ડીવાયએસપી અને અન્ય મહાનુભાવોને આમંત્રિત કરાયા છે.

ગોંડલ
ગોંડલમાં પૂ. જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિતે વીર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પૂ. જલારામ બાપાને 56 ભોગ અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. ગોંડલ શહેર ની મધ્યે વિદ્યા મંદિર હાઈ સ્કૂલ ગ્રુન્ડ ખાતે ભવ્ય રંગોળી સાથે વિશાલ ડોમ માં આકર્ષક રંગબેરંગી રોશની થી શણગાર કરી 56 ભોગ અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. આ તકે વીર યુવા ગ્રુપ ના રવિ ગાદેશા, વિજય કોટેચા, હર્ષ પાબારી, કિશાન કારિયા, જયદીપ રાજા , જતીન ગાદેશા, કેયુર પારેખ, રવિ કારિયા ચિરાગ સૂચક સહીત ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

ખંભાળિયા
‘દેને કો ટુકડો ભલો, લેને કો હરી નામ, તાકે પદ વંદન કરું, જય જય જય જલારામ’ ના નાદ સાથે આજરોજ જલારામ જયંતીના પવિત્ર દિને ખંભાળિયાવાસીઓ એ જલારામ જયંતિની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરી હતી આજે જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ અત્રે જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરને અનોખા સાજ-શણગાર અને રોશનીથી સજવામાં આવ્યું હતું. ગઈકાલે મંગળવારે રાત્રે જલારામ મંદિર ખાતે અહીંની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે પૂ. જલારામ બાપાની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં જલારામભક્તો રસતરબોળ બન્યા હતા.

આજરોજ બુધવારે જલારામ જયંતી નિમિત્તે વહેલી સવારથી જલારામ ભક્તો જલારામ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને મંદિરની 108 પ્રદક્ષિણા તેમજ પૂજન અર્ચન અને મહા આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં પૂ. જલારામ બાપા અને પૂ. વીરબાઈ માં ની વિશાળ અને સુંદર રંગોળીએ આકર્ષણ જમાવ્યું હતું.

સોમનાથ
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ-પ્રભાસ-પાટણના રામરાખ ચોકમાં આવેલ જલારામ મંદિર સ્થાપનાને 20 વર્ષ થતાં હોઈ જેના અનુસંધાને જલારામ જયંતિએ દિવ્ય ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવેલ છે. વિદેશ સ્થિત મુકુંદભાઈ તથા મીનાબેન ચુડાસમાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે 25 ઓકટોબરથી 27ઓકટોબર મહાપ્રસાદ- રાસ ગરબા અને સત્સંગ કથા જે બ્રહ્મપુરીના હોલ ખાતે યોજાશે. અને 29 ઓકટોબર જલારામ જયંતિના અવસરે 29 ઓકટોબરે સાંજે 4 કલાકે પ્રભાસપાટણ શહેરમાં વાજતે-ગાજતે ધૂન-ભજન સાથે શોભાયાત્રા નિકળશે અને સાંજે મહાપ્રસાદ યોજાશે. સત્સંગ કથાના વ્યાસપીઠે માળીયાહાટીનાના ભાગગત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી રહેશે. સોમનાથ જલારામ મંદિર 20મી વર્ષગાંઠ અનુસંધાને ચાલુ વરસે સત્સંગ-કથા અને શોભાયાત્રા.

ધોરાજી
ધોરાજી ખાતે સમસ્ત લુહાણા સમાજ દ્વારા જલારામ બાપાની 226 ની જન્મ જયંતિ મહોત્સવમાં આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે પૂજા ઓજારોહણ ભોજન પ્રસાદી બાઇક કારેલી ભવ્ય જન્મોત્સવ અન્નકૂટ મહા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવ્ય ધામધૂમથી આ જલારામ બાપાની જન્મ જયંતી ઉજવવામાં આવશે અને રાત્રિના હનુમાનજી ધૂન મંડળ દ્વારા જલારામ બાપાના ભજન રામધૂન અને હનુમાનજીના ભજનનું રાત્રે 9:30 કલાકે આયોજન કરેલું છે અને આ વખતે જન્મ જયંતીનો બાઇક તથા કારેલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો ધોરાજીની ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું સમસ્ત લોહાણા મહાજન દ્વારા આમંત્ર પાઠવે છે

Advertisement
Tags :
Advertisement
Advertisement