હેલ્મેટના વિરોધમાં સત્યાગ્રહ સમિતિ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી
રાજકોટમાં આગામી સોમવારથી હેલમેટનો કાયદો ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હેલમેટના કાયદા સામે શેરીએ ગલ્લીએ લોકો ચર્ચા સાથે વિરોધ કરી રહ્યાં છે ત્યારે રાજકોટના યુવા એડવોકેટની હેલમેટ સત્યાગ્રહ સમિતિ ફરજિયાત હેલમેટના વિરોધમાં મેદાને આવી છે. સત્યાગ્રહ સમિતિ દ્વારા આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને હેલમેન્ટનો કાયદો રદ કરવામાં નહિ આવે તો જેલ ભરો આંદોલન અને અપક્ષ લડવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સમિતિનાં સભ્યો દ્વારા હેલમેટના ફરજિયાતના નિર્ણયને તઘલખી ગણાવ્યો છે.સરકાર લોકોને હેરાન કરવા અને દંડ ઉઘરાવવા માટે આ પ્રકારના નિયમો લાદી રહી છે. હાલ 2,000 લોકો અમારી સાથે જોડાયા છે. આજે રાત્રે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જો સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે તો આગામી સમયમાં સવિનય કાનૂન ભંગ સહિતનાં કાર્યક્રમો આપી આંદોલન કરવામાં આવશે.
નિર્ણય પ્રજા વિરોધી હોવાનો સમિતિનો દાવો હેલ્મેટ સત્યાગ્રહ સમિતિનાં હર્ષિલ શાહે જણાવ્યું કે, ભારતમાં નાગરિકોને શું પહેરવું અને શું ન પહેરવું તે નક્કી કરવાનો અધિકાર છે. હેલ્મેટ પહેરવું કે ન પહેરવું તે માટે વ્યક્તિની પોતાની મરજી પર આધાર રાખવો જોઈએ. સરકાર દ્વારા આ પ્રકારનું ફરજિયાતપણું કંપનીઓને કાયદો કરાવવાનો એક પ્રયાસ છે. સરકારનું મુખ્ય કામ લોકોને સારી સુવિધાઓ પૂરી પાડવાનું છે, જેમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને સારા રસ્તાઓનો સમાવેશ થાય છે. પરંતુ, આ મૂળભૂત ફરજો પૂરી કરવાને બદલે, સરકાર દંડ ઉઘરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હેલમેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા ફરજિયાત હેલમેટનો આદેશ પરત ખેંચી લેવામાં નહીં આવે તો ફરજિયાત હેલમેટના વિરોધમાં હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા આજે રાત્રે 10 થી 11 વાગ્યા સુધી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં હેલ્મેટના ફરજિયાત કાયદાનો વિરોધ કરવા અને ભવિષ્યમાં આંદોલનની રણનીતિ ઘડવા માટે ચર્ચા કરવામાં આવશે. હેલમેટ સત્યાગ્રહ સમિતિએ રાજકોટના તમામ જાગૃત નાગરિકોને આ મિટિંગમાં જોડાવા માટે અપીલ કરી છે. અને જો સરકાર નિર્ણય પરત નહીં ખેંચે તો જેલ ભરો આંદોલન અને અપક્ષ લડવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.