તા.1 ફેબ્રુઆરીથી સર્વોત્તમ ડેરી દ્વારા ભાવ વધારો, દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટે રૂા.820
સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી ના જણાવ્યા મુજબ શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરી ના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને તા. 29/1ના રોજ નિયામક મંડળની મિટિંગ મળી. જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા. દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતાં, હાલ મોંઘવારીના ભરડાને પહોચી વળવા તેમજ પશુપાલન વ્યવસાય વધારે નફાકારક બને, સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલ પશુપાલક પરિવારોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચુ આવે તેવા હરહંમેશ પ્રયત્નો કરી જિલ્લાના છેવાડાના લોકો સુધી વધારે વળતર મળે તેવા શુભ આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવેલ છે.
હાલ કીલોફેટે રૂા. 810/- ચૂકવાય રહ્યા છે તેમાં રૂા. 10/- નો વધારો કરી તા. 01/02/2025થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂા. 820/- કરવામાં આવેલ છે. ફેબ્રુઆરી 2024 માં દૂધ ખરીદભાવ રૂા. 760/- મળતો હતો જેની સરખામણીએ ફેબ્રુઆરી 2025 માં 60/- રૂા.વધારે મળે છે આ ભાવવધારાથી ફેબ્રુઆરી મહિનામાં દૂધ ઉત્પાદકોને બે કરોડ જેટલી વધારે રકમ મળશે. જેથી દૂધ ઉત્પાદકોને પશુપાલન વ્યવસાય નફાકારક બનશે.
સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના કરકસર અને કુનેહપૂર્વકના વહીવટ દ્વારા જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી દ્વારા રેકોર્ડબ્રેક દૂધના ખરીદભાવ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહી જિલ્લામાં શ્વેતક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ લાવવામાં અમૂલ્ય ફાળો રહેલ છે. સર્વોત્તમ ડેરી દ્વારા ભાવવધારો થતા પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી છે.