સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને હાર્ટએટેક, ચિંતાની લાગણી
રાજકોટની સૌથી મોટી સામાજિક સંસ્થા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને ગઈકાલે હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સિનર્જી હોસ્પિટલના તબીબોએ ગુણવંતભાઈ ડેવાલાળાને બાયપાસ સર્જરી કરવાની સલાહ આપતા અમદાવાદ ખાતે ડો. અનિલ જૈનની હોસ્પિટલમાં ખસેડવા જતવીજ હાથ ધરાઈ છે.
ગઈકાલે ગુણવંતભાઈને હાર્ટએટેક આવ્યાના સમાચાર મળતા તેમના મિત્રો-શુભેચ્છકો હોસ્પિટલ દોડી ગયા હતાં.
હાલ ગુણવંતભાઈને સિનર્જી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબી તપાસમાં તેમની હૃદયની ત્રણ મુખ્ય ધમનીઓમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું છે. સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ તેમનું મેડિકલ અપડેટ જાહેર કર્યું છે, જેમાં તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે અને આજે તેમને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવશે તેમ જાણવા મળે છે.
ગુણુભાઈ ડેલાવાળાના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેમના પરિવારજનો, મિત્રો અને શુભચિંતકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે અને તેઓ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.