સૌ.યુનિ.નો AICTCના નિયમ મુજબ અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય
ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સહિતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમો મુજબ અધ્યાપકોની ભરતી કરવામાં આવે છે. પરંતુ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) હસ્તકના અભ્યાસક્રમોમાં એઆઈસીટીઈના નિયમ મુજબ ભરતી થવી જોઈએ તેવો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ એમસીએ એમબીએ બીબીએ અને બીસીએના અભ્યાસક્રમોમાં અધ્યાપકોની નિમણૂક માટે એઆઈસીટીના નિયમો લાગુ પડશે અને આ માટેની એક દરખાસ્ત અંતિમ નિર્ણય લેવા માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મોકલવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે નોન કાઉન્સિલ હેઠળના વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના નોન- એનઈપી (નોન ન્યુ એજ્યુકેશન પોલીસી) અભ્યાસક્રમ હેઠળના વિદ્યાર્થીઓને બાકી રહેલ અભ્યાસક્રમને પૂર્ણ કરવા માટે નવી એજ્યુકેશન પોલીસોમાં જોડી દેવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે અને તેને પણ એકેડેમીક કાઉન્સિલે બહાલી આપી છે. જ્યારે નોન કાઉન્સિલ હેઠળના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે મંજૂર કરાયેલ કોમન ઓર્ડિનન્સને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત તારીખ 28 જાન્યુઆરીના મળેલી બોર્ડ ઓફ ડીન્સની ભલામણોના સ્વીકારનો નિર્ણય આ બેઠકમાં કરાયો હતો. જીકાસ મારફતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રિપેરેશન ઓફ મેરીટ લીસ્ટના મંજુર થયેલા નિયમોને બહાલી આપવામાં આવી હતી, જુદી જુદી વિદ્યાશાખાઓ હેઠળના જુદા જુદા વિષયોને મંજુર થયેલ કાર્યને બહાલી આપવામાં આવી હતી.તબીબી અને ફિઝિયોથેરાપી વિદ્યા શાખા દ્વારા રજૂ કરવામાં આવેલા સત્ર વ્યવસ્થાની બાબતને પણ બહાલ રાખવામાં આવી છે.