સહારા જૂથની ગુજરાત સહિત 16 શહેરોની 1500 કરોડની જમીન જપ્ત: ઇડીની કાર્યવાહી
સહારા ગ્રુપ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂૂપે ઇડીએ 1,500 કરોડ રૂૂપિયાથી વધુની નવી સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ PMLA હેઠળ 16 શહેરોમાં સહારા પ્રાઇમ સિટી લિમિટેડની કુલ 1,023 એકર જમીન જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો. 2016ના સર્કલ રેટ મુજબ આ પ્લોટની કુલ કિંમત 1,538 કરોડ રૂૂપિયા છે.
એજન્સીએ જણાવ્યું હતું કે આ પ્લોટ સહારા કંપનીઓ પાસેથી મોકલવામાં આવેલા ભંડોળમાંથી બેનામી વ્યવહારો દ્વારા ખરીદવામાં આવ્યા હતા. આ પ્લોટ ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત છે.ફ
ગયા અઠવાડિયે, ઇડીએ મહારાષ્ટ્રના લોનાવલામાં અંબી વેલીમાં 1,460 કરોડ રૂૂપિયાની 707 એકર જમીન જપ્ત કરી હતી. આ મની લોન્ડરિંગ કેસ વિવિધ રાજ્ય પોલીસ વિભાગો દ્વારા નોંધાયેલી 500 થી વધુ FIR માંથી ઉદ્ભવ્યો છે.
ઓરિસ્સા, બિહાર અને રાજસ્થાનમાં પોલીસે અવર ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને અન્યો વિરુદ્ધ નોંધાયેલી ત્રણ એફઆઈઆર ઉપરાંત, સહારા ગ્રુપની સંસ્થાઓ અને સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરાયેલી 500 થી વધુ ફરિયાદોનું ઇડી દ્વારા વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે.એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે સહારા ગ્રુપ વિવિધ સંસ્થાઓ દ્વારા પોન્ઝી યોજના ચલાવી રહ્યું છે.
આમાં HICCSL, સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (SCCSL), સહારાયણ યુનિવર્સલ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી (SUMCS), સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (SMCSL), સહારા ઇન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ (SICCL), સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (SIRECL), સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SHICL) અને અન્ય ગ્રુપ એન્ટિટીનો સમાવેશ થાય છે.
ઇડીએ જણાવ્યું હતું કે આ જૂથે થાપણદારો અને એજન્ટોને અનુક્રમે ઊંચા વળતર અને કમિશનની લાલચ આપીને છેતરપિંડી કરી છે અને થાપણદારોના કોઈપણ જ્ઞાન કે નિયંત્રણ વિના એકત્રિત ભંડોળનો ઉપયોગ કર્યો છે.