ધોરાજીનાં મોટાગુંદાળા પાસે S.T બસ પુલ પરથી વોંકળામાં ખાબકી: 10ને ઈજા
રાજકોટ જિલ્લાનાં ધોરાજી નજીક એસ.ટી.ની એક બસને ગંભીર અકસ્માત નડતા 10 જેટલા મુસાફરોને ફેકચર સહિતની નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.આ ઈજા ગ્રસ્તોને ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જૂનાગઢ એસ.ટી.વિભાગ હેઠળનાં જેતપુર ડેપોની ઢાંક (જેતપુર રૂૂટની બસ જેતપુર જતી હતી.
ત્યારે ધોરાજી નજીકનાં મોટા ગુંદાળા પાસે એકવાટિક વોટર પાર્ક આગળ એક વોંકળાનાં પૂલ ઉપરથી એસ.ટી.બસ પસાર થઈ રહી હતી.ત્યારે પુલ ઉપરથી આ બસ વોંકળામાં ખાબકતા મુસાફરોમાં ચિચિયારી થઈ ગઈ હતી.
આ અંગે સ્થાનિકોએ પોલીસ અને એસ.ટી.વિભાગને જાણ કરતા તાત્કાલિક એસ.ટી.ના જેતપુર ડેપો મેનેજર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.અને ઈજાગ્રસ્ત થયેલા 10-મુસાફરોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતાં. દરમ્યાન આ અકસ્માત કઈ રીતે સર્જાયો? તે અંગે જેતપુર એસ.ટી.ડેપો મેનેજરનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે બસમાં ડ્રાઈવરને ચાલુ વાહને છાતીમાં ગભરામણ થઈ અને ચકકર આવ્યા હતા.આથી તેઓએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દિધો હતો. અને બસ પુલિયા ઉપરથી વોંકળામાં ખાબકી હતી.
આ અકસ્માતમાં 10-જેટલા મુસાફરોને હાથ-પગમાં ફેકચર અને માથામાં ઈજા પહોંચી હતી.આથી ઘાયલોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.ટી.બસોમાં નવી બસો આવવા સાથે જુની ઓવર એઈ જ બસોની સંખ્યા પણ વધતી જાય છે.છતા આવી જુની બસો હજુ દોરાવાતી હોય આવી બસો વારંવાર અકસ્માત સર્જે છે.
