રાજકોટ જિલ્લાની પાંચ પાલિકા અને તા.પં.માં અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ધસારો
બપોર સુધીમાં જસદણમાં 16, જેતપુરમાં 42, ધોરાજીમાં 24, ઉપલેટામાં 26 મુરતિયાની દાવેદારી
રાજ્ય સરકાર દદ્વયારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા અને તાલુકાપંચાયતની બેઠકનો પણ સમાવેશ કરાયો છે. જેમાં આજે નગરપાલિકામાં 208 જેટલા ફોર્મ અને તાલુકા પંચાયતની સીટોમાં 9 જેટલા ફોર્મ ભરાયા હતાં.
મળતી વિગતો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લાની જસદણ, ધોરાજી, બાયાવદર, ઉપલેટા, જેતપુરનો સમાવેશ થાય છે. તેમજ તાલુકા પંચાયતની બેઠકમાં ડુમિયાણી, જસદણ, જેતપુરનો સમાવેશ થાય છે. તેમાં આજે ફોર્મ ભરવાનો પ્રારંભ થતાં આજે બપોર સુધીમાં જસદણ નગરપાલિકા માટે 16, જેતપુર નગરપાલિકા માટે 42, ધોરાજી નગરપાલિકા માટે 24, ઉપલેટા નગરપાલિકા માટે 26 ફોર્મ ભરાયા હતાં. જ્યારે ભાયાવદર નગરપાલિકા માટે એક પણ ફોર્મ ભરાયા નથી. ઉપરાંત તાલુકા પંચાયતમાં ડુમિયાણી, જસદણ, જેતપુર, તાલુકામાં એક એક અને અન્ય એક બેઠક પર બે ફોર્મ ભરાયા હતાં.
રાજકોટ જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા અધિક કલેક્ટર ચેતન ગાંધીને જિલ્લના ચૂંટણી ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે. ચેતન ગાંધી રાજકોટ જિલ્લાની તાસીરથી વાકેફ હોય આયોગ દ્વારા તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાની ચર્ચા કલેક્ટર કચેરીના વર્તુળોમાં થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુર નગરપાલિકાના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી નથી. પરંતુ સંભવિત ઉમેદવારોને ફોર્મ ભરવા માટે સુચના આપી દેવામાં આવી હતી. જે મુદ્દો પણ હાલ જિલ્લામાં ચર્ચાઈ રહ્યો છે. જો કે, જેતપુર નગરપાલિકા માટે બપોર સુધીમાં સૌથી વધારે 42 ફોર્મ ભરાયા છે.