For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સર્વર ડાઉનના નામે જન્મ-મરણ શાખામાં કામગીરી બંધ કરવાના કારસાનો ભાંડો ફૂટ્યો

12:06 PM Apr 17, 2025 IST | Bhumika
સર્વર ડાઉનના નામે જન્મ મરણ શાખામાં કામગીરી બંધ કરવાના કારસાનો ભાંડો ફૂટ્યો

જામનગર મહાનગરપાલિકાની જન્મ અને મરણ નોંધણીની શાખા જાણે કે કાયમી વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. આજે ફરી એકવાર આ શાખામાં સર્વર ડાઉન હોવાનું બહાનું આગળ ધરીને કામગીરી બંધ કરી દેવામાં આવતા અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આખરે વોર્ડ નંબર 4 ના જાગૃત કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં સર્વર તો રાબેતા મુજબ ચાલુ હોવાનું માલુમ પડ્યું હતું, જેના પગલે કર્મચારીઓની બેદરકારી સામે દેકારો મચી ગયો હતો.

Advertisement

જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉનના નામે કામગીરી બંધ કરી દેવાની પ્રથા ચાલી રહી છે. જ્યારે પણ અરજદારો પોતાના અગત્યના કામ માટે આ શાખામાં આવે છે, ત્યારે તેમને મોટેભાગે સર્વર ડાઉન હોવાનું કારણ આપીને પાછા મોકલી દેવામાં આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકોને જન્મ કે મરણના દાખલા મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે અને ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડે છે.
ગઈકાલે જન્મ-મરણના દાખલા આપવાની બારી બંધ કરી દેવામાં આવી હતી અને અરજદારોને જણાવવામાં આવ્યું હતું કે સર્વર કામ કરતું નથી. પોતાના સ્વજનોના જન્મ કે મરણના દાખલા મેળવવા માટે આવેલા અનેક અરજદારો કલાકો સુધી રાહ જોયા બાદ નિરાશ થઈને પરત ફરવા મજબૂર બન્યા હતા. આ બાબતની જાણ જ્યારે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાને થઈ, ત્યારે તેઓ તાત્કાલિક મહાનગરપાલિકાની આ શાખામાં દોડી આવ્યા હતા.

રચનાબેન નંદાણિયાએ ઘટના સ્થળે પહોંચીને જાતે જ કોમ્પ્યુટરની તપાસ કરી હતી. આશ્ચર્યની વાત એ હતી કે તપાસ દરમિયાન સર્વર સંપૂર્ણપણે કાર્યરત જણાયું હતું. આથી સ્પષ્ટપણે સાબિત થયું કે કર્મચારીઓ દ્વારા સર્વર ડાઉન હોવાનું ખોટું બહાનું બનાવવામાં આવ્યું હતું અને અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા હતા. આ ઘટનાથી અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ કર્મચારીઓની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ ઘટના અંગે વાત કરતાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ જણાવ્યું હતું કે, મને આજે સવારે કેટલાક અરજદારોએ ફોન કરીને ફરિયાદ કરી હતી કે જન્મ-મરણ શાખામાં સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી બંધ છે અને તેઓને દાખલા મળી રહ્યા નથી. જ્યારે મેં આવીને તપાસ કરી તો જોયું કે સર્વર તો ચાલુ જ હતું. આ ખૂબ જ દુ:ખદ બાબત છે કે સામાન્ય નાગરિકોને પોતાના જરૂૂરી કામ માટે પણ આ રીતે હેરાન થવું પડે છે. આ શાખામાં કર્મચારીઓ પોતાની મરજી મુજબ કામ કરે છે અને કોઈ તેમનું સાંભળતું નથી.

વધુમાં રચનાબેને જણાવ્યું હતું કે આ શાખામાં હંમેશા અરજદારોની ભારે ભીડ રહેતી હોય છે, પરંતુ ક્યારેય કોઈ ઉચ્ચ અધિકારી કે પદાધિકારી દ્વારા તેમની એ.સી. ચેમ્બરમાંથી બહાર નીકળીને આકસ્મિક તપાસ કરવામાં આવતી નથી. જેના કારણે કર્મચારીઓને જાણે કે છૂટો દોર મળી ગયો હોય તેમ તેઓ પોતાની મરજી મુજબ કામ કરે છે અને અરજદારોની મુશ્કેલીમાં કોઈને રસ નથી. તેમણે માંગ કરી હતી કે આ બાબતની તાત્કાલિક ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ ઘટનાએ જામનગર મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું ખરેખર કર્મચારીઓની બેદરકારીના કારણે અરજદારોને આ રીતે પરેશાન થવું પડે છે? શું વહીવટી તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં લેશે? આ તમામ સવાલોના જવાબ આગામી સમયમાં મળવાના રહેશે. હાલ તો સર્વર ડાઉનના નાટકને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને તેઓ તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement