શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીને રુખસદ
હિતેશ ઢોલરિયા બન્યા નવા મંત્રી, જૂના જૂથનો છેલ્લો ‘કાંટો’ પણ કાઢી નખાયાની ચર્ચા
રાજકોટ શહેર ભાજપમાંથી જૂના જૂથનો અંતે સંપૂર્ણ કાંટો નિકળી ગયો છે. શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશીને પણ રૂખસદ આપી દેવામાં અવાી છે. અને શહેર ભાજપ કાર્યાલયના નવામંત્રી તરીકે હિતેશ ઢોલરિયાની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપમાં અચાનક જ આવેલા આ ફેરફારોને ઘણા લોકો રાજકીય દ્રષ્ટીકોણથી જોઈ રહ્યા છે. અને ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આધિપત્ય સ્થાપનાર જૂથે જૂના જૂથનો છેલ્લો ‘કાંટો’ કાઢી નાખ્યાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશીને ગઈકાલે સોમવારે સાંજે જ તેમની સેવા સમાપ્ત કરવામાં આવી હોવાની અને નવા કાર્યાલય મંત્રી તરીકે હિતેશ ઢોલરિયાની નિમણુંક કરવામાં આવી હોવાની શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા જાણ કરવામાં આવી હતી.
આજે સવારે હરેશ જોશીએ પોતાના ચાર્જ છોડી હિતેશ ઢોલરિયાને સોંપી દીધો હતો. હિતેશ ઢોલરિયા છેલ્લા 21 વર્ષથી ભાજપના પે-રોલ ઉપર ફરજ બજાવી રહ્યા હતા. અગાઉ સતત 13 વર્ષ સુધી તેમની નિમણુંક મહાનગરપાલિકામાં શાસકપક્ષ ભાજપના કાર્યાલયમાં ફરજ બજાવી હતી. જ્યારે 2016થી તેમને પ્રમોશન આપી શહેર ભાજપ કાર્યાલયના મંત્રી બનાવવામાં આવ્યા હતાં. તેમને પગાર પણ ભાજપ દ્વારા જ ચૂકવવામાં આવતો હતો. આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, આ ફેરફારો માત્ર વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. આ કોઈ રાજકીય નિર્ણય નથી.
જો કે, ભાજપના અમુક સુત્રોનું કહેવું છે કે, ભાજપના જૂના જૂથનો એક પાયો શહેર ભાજપ કાર્યાલયમાં હતો તે નવા જૂથે ઉખેડી નાખ્યો છે. હવે શહેર ભાજપ ઉપર સંપૂર્ણ કબ્જો નવા જૂથનો આવી ગયો છે. જો કે, આ ફેરફારોની કોઈ આડઅસર થશે કે કેમ તે તો સમય જ બતાવશે.