બે મહિનામાં RTO દ્વારા રૂા.51 લાખનો દંડ વસુલાયો
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO ), રાજકોટ દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર 2025 દરમિયાન સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ બે મહિનાના ગાળામાં કુલ 1296 કેસ નોંધવામાં આવ્યા છે અને ગુનાહિત વાહનો પાસેથી રૂ. 51,00,826 (એકાવન લાખ આઠસો છવ્વીસ) જેટલો જંગી દંડ વસૂલવામાં આવ્યો છે.ઓવરસ્પીડનો એક પણ કેસ નહિ નોંધાતા આશ્ચર્ય સર્જાયું છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ દંડ ઓવરલોડ વાહનો પર કરવામાં આવ્યો છે, જે રોડ સેફ્ટી માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
RTO ની કાર્યવાહીમાં સ્પષ્ટ થાય છે કે સૌથી ગંભીર ઉલ્લંઘન ઓવરલોડ વાહનના 221 કેસમાં જોવા મળ્યું, જેના પર સૌથી મોટો રૂ. 26.83 લાખનો દંડ ફટકારાયો. ઓવરલોડિંગ માત્ર રોડને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ તે માર્ગ અકસ્માતોનું એક મુખ્ય કારણ પણ બને છે.
આ ઉપરાંત, વ્હાઇટ લાઇટ LED ચેકિંગના સૌથી વધુ 343 કેસ નોંધાયા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે વાહનોમાં બિન-અધિકૃત અને આંખ આંજી દેનારી લાઇટ્સનો ઉપયોગ પણ વ્યાપક છે. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવનારા 153 લોકો સામે પણ રૂ. 3.06 લાખનો દંડ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વાહન ચલાવવાના મૂળભૂત નિયમોનો પણ ભંગ થઈ રહ્યો છે. આર.ટી.ઓ. રાજકોટ દ્વારા નિયમોનું કડક પાલન કરાવવા અને માર્ગ સલામતી જાળવવા માટે આ પ્રકારની ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને નિયમોનું પાલન કરવા અને દંડની કાર્યવાહીથી બચવા તેમજ સુરક્ષિત માર્ગ વાતાવરણ બનાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.