મોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરી
13.40 લાખના દાગીના-રોકડની ચોરી થતા પોલીસમાં ફરિયાદ
મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. સત્વેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (54)ના ભાડાના મકાનમાંથી 13.40 લાખની મતાની ચોરી થઈ છે. હસમુખભાઈ પોતાના મકાનનું નવું બાંધકામ કરાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સામેના ભાગમાં એક મકાન ભાડે રાખ્યું હતું. જોકે, આ ભાડાના મકાનના માલિકે પણ મકાન તોડી નવું બનાવવાનું હોવાથી ખાલી કરવા જણાવ્યું હતું. હસમુખભાઈએ મોટાભાગનો સામાન પોતાના નવા ઘરમાં ખસેડ્યો હતો. પરંતુ 3.20 લાખ રોકડા અને 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના (કિંમત 10.20 લાખ) ભાડાના મકાનમાં જ રહી ગયા હતા. 26 ફેબ્રુઆરીના રોજ સવારના 8 થી સાંજના 6 વાગ્યા દરમિયાન મકાન તોડવાનું કામ ચાલુ હતું. આ સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી લીધી. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એસ.સોંદરવાના નેતૃત્વમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂૂ કરી છે.