વીંછિયાના મોટાહડમતિયા ગામે બે મકાનમાંથી 29 હજારની ચોરી
રાજકોટ રહેતા પરિવાર અને તેમના પાડોશીના મકાનમાં ચોરી કરનાર તસ્કરનું પગેરૂ દબાવવા પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટના સંતકબીર રોડ પર રહેતાં અને વિંછીયાના મોટાહડમતીયા ગામે મકાન ધરાવતાં પરિવાર અને તેના પાડોશમાં એક જ રાતમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને દાગીના સહિત 29 હજારની ચોરી કરી જતાં આ મામલે વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી એક જ રાતમાં બે મકાનમાં ચોરી કરનાર તસ્કરની શોધખોળ શરૂ કરી સીસીટીવી ફુટેજ ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.
મળતી વિગત મુજબ વિંછીયામાં એક જ રાતમાં બે સ્થળોએ ચોરીના બનાવો બન્યા હતાં. જેમાં મોટાહડમતીયા ગામે મકાન ધરાવતાં હાલ રાજકોટનાં સંતકબીર રોડ પર મંછાનગરમાં રહેતાં ભરતભાઈ લક્ષ્મણભાઈ પરમારના મકાનમાં તસ્કરો ત્રાટકીયા હતાં. તેમના બંધ મકાનમાંથી ચાંદી અને સોનાના દાગીના તેમજ ચાંદીની વિંટી સહિત રૂા.22,500ની મત્તાની ચોરી થઈ હતી.
ઉપરાંત ભરતભાઈના પાડોશમાં રહેતાં ઉકાભાઈ નારણભાઈ પરમારના મકાનમાં પણ ચોરી થઈ હતી. ઉકાભાઈના મકાનની કાચની બારીનો લોક તોડી અંદર પ્રવેશી તસ્કરો મકાનમાં તિજોરીમાંથી સુટકેશ કાઢી સુટકેશમાં રાખેલ રૂા.7 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી ગયા હતાં. ઉકાભાઈ અને ભરતભાઈના મકાનમાંથી આશરે 29 હજારના દાગીનાની ચોરી થઈ હોય જે મામલે ભરતભાઈએ વિંછીયા પોલીસ મથકને જાણ કરતાં પોલીસ સ્ટાફ મોટાહડમતીયા ગામે દોડી આવ્યો હતો અને આ મામલે ભરતભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી ચોરી કરનાર તસ્કરનું પગેરૂ દબાવવા વધુ તપાસ શરૂ કરી છે.
