જૂના રેલવે સ્ટેશન પાસે પુન: ખડકી દેવાયેલી ઝૂંપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
જામનગરમાં અંબર ચોકડી નજીક જૂના રેલવે સ્ટેશન પાસે રેલવેની જગ્યામાં કાયમી સમસ્યા સમાન ઝુપડપટ્ટી ખડકાઈ જાય છે. રેલવે તંત્ર દ્વારા અનેક વખત આ ઝુપડપટ્ટી ને હટાવવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ ઝુપડાવાસીઓ ફરી આ જગ્યાએ આવીને કબજો કરી લેતા હોય છે.
આજે ફરીથી રેલવે પોલીસ ની ટીમ દ્વારા ઝુપડાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ રેલવે પોલીસનો સ્ટાફ અંબર ચોકડી પાસે આવી પહોંચ્યો હતો, જ્યાં રેલવેની ત્રિકોણ વાળી જગ્યામાં 20 થી વધુ ઝુપડા ખડકાઈ ગયા છે, જે તમામને ખાલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા તમામ ઝૂંપડાવાસીઓને પોતાનો માલ સામાન લઈ જવા માટેની તક આપી હતી, અને ઝુપડાવાસીઓએ પણ ચોમાસા ની સિઝન આવી રહી છે, ત્યારે પોતાને અહીંથી નહીં ખસેડવા માટે રકઝક કરી હતી, પરંતુ રેલ્વે પોલીસ તંત્ર એ મચક આપી ન હતી, અને જગ્યા ખાલી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.