રેતી, કપચી, માટી સહિતની ખનીજોની રોયલ્ટી રાતોરાત બમણી
બાંધકામ મોઘા થતાં મકાનોના ભાવ વધશે, ખનીજચોરી પણ બેફામ થશે, પ્રીમિયમના નામે સરકારનો ડબલ ડોઝ
મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે વધુ એક માર ખમવાનો સમય આવ્યો છે. સરકારે રાતોરાત રેતી, કપચી, માટી સહિતની ખનીજોની રોયલ્ટી બમણી કરી દેતા આગામી સમયમાં મકાનોના ભાવ વધવાની પૂર્ણ સંભાવના છે. માત્ર મકાનો જ નહીં ઇમારતોની મરામતનો ખર્ચ પણ બમણો થઇ જશે.
રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટી ઉપરાંત તેટલાં જ પ્રીમિયમની વસૂલાત એટલે કે ડબલ રોયલ્ટી જેવી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્ણય સરકારે રાતોરાત લીધો છે. અચાનક બમણાં ભાવ વધારાના પગલે ખનિજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ શરૂૂ કરી દીધો છે. છેલ્લા 10 વર્ષથી રોયલ્ટીની રકમમાં કોઈ વધારો નહીં થયા બાદ રાતો રાત સરકારે વિવિધ ખનિજોની રોયલ્ટીમાં વધારો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
આ નોટિફિકેશનમાં સરકારે રોયલ્ટીના બદલે રોયલ્ટી ઉપર તેટલીજ રકમનું પ્રીમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે. એટલેકે ખનિજ માટે હવે લગભગ બમણી રોયલ્ટી ભરવી પડશે. ગઈકાલે સાંજે રોયલ્ટી ભરવા માટેની ઓનલાઈન સિસ્ટમ 4 કલાક સુધી બંધ રહી હતી, અને નવી સિસ્ટમ શરૂૂ થઈ ત્યારે નવી રોયલ્ટીના ભાવો ઉત્પાદક્તાઓને બતાવતા હતાં. તાત્કાલિક અસરથી વિવિધ ખનિજો પર વસૂલાતી રોયલ્ટી તેમજ પ્રીમિયમના ભાવમાં વધારો કરી દેતા ઉત્પાદક્તાઓને પણ આંચકો લાગ્યો છે.
રાજ્યમાં ઉત્પાદન થતાં મહત્વના ખનિજો જેમકે રેતી, કપચી અને માટીની રોયલ્ટીના દરોમાં અચાનક વધારો કરાતા તેની અસર આગામી દિવસોમાં લોકો પર થશે તે નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેતી અને કપચી તેમજ માટીની રોયલ્ટીમાં બમણા ભાવવધારાને કારણે બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શન તેમજ રોડના કામો પર તેની અસર જણાશે. બિલ્ડિંગના નિર્માણ માટે ઉપયોગના પગલે ક્ધસ્ટ્રક્શનના ભાવમાં વધારો થશે તે નક્કી છે. એક બ્લેક ટ્રેપની 40 ટન એક ગાડીમાં ક્વોરી માલિકો જે ભાવો વસૂલ કરતા હતા તે ગાડીમાં હવે સામાન્ય સંજોગોમાં 4 હજારનો સીધો વધારો થઈ જશે. એક ટનમાં કપચીની રોયલ્ટી ઉપરાંત વિવિધ ટેક્સના કારણે 85થી 100 રૂૂપિયાનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ખનિજોની રોયલ્ટીના દરો ડબલ કરી દેતા હવે ખનિજચોરી થવાની શક્યતા વધી ગઇ છે. આમ પણ રેતી, માટી તેમજ બ્લેક ટ્રેપની કેટલીક ક્વોરીઓ દ્વારા વધતી ઓછી રોયલ્ટીની ચોરીઓ થતી હોય છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા રોડ પર રોયલ્ટી વગરના વાહનો ઝડપી પાડી રોયલ્ટી ઉપરાંત દંડની વસૂલાત કરાતી હોય છે. હવે રોયલ્ટીના દરો બમણાં કરી દેવાતા ચોરી વધશે તેવો ગણગણાટ શરૃ થઇ ગયો છે.
ખનીજ જૂના દર નવા દર
કપચી 45 90
રેતી 40 80
માટી 25 50
જિપ્સમ 45 90