જામકંડોરણામાં કાલે 351 દીકરીઓનો શાહી લગ્નોત્સવ
રાદડિયા પરિવાર યજમાન, અમિત શાહ, માંડવિયા, પાટીલ, રાજકીય-સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ બનશે મહેમાન, દોઢ લાખ લોકોની હાજરીમાં ભવ્ય આયોજન
જામ કંડોરણા ખાતે શ્રી સરદાર પટેલ કુમાર અને ક્ધયા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા આવતી કાલે યોજવામાં આવનાર 351 દિકરીઓના સમુહ લગ્નોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અને આવતી કાલે સાંજે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજીત આ સમુહલગ્નોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ રાજકીય, સામાજિક મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ અને આશરે દોઢેક લાખ લોકોની હાજરીમાં આ દિકરીઓ લગ્ન જીવનનો પ્રારંભ કરનાર છે.
જામકંડોરણા ખાતે ગઈકાલે બુધવારે સાંજે દાંડિયારાસનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વરક્ધયા પક્ષના તમામ લોકો અને પાંચ હજાર જેટલા સ્વયંસેવકો જોડાયા હતાં. મોડીરાત સુધી દાંડિયારાસની રમઝટ બોલી હતી. જ્યારે આવતી કાલે શુક્રવારે સાંજે ચાર વાગ્યે એક સાથે 351 જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવશે. આ માટે સાસણગીરની તમામ ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર, ડી.જે., બેન્ડવાજા તથા 100 જેટલા ઢોલીઓ સહિતનો કાફલો તૈયાર રાખવામાં આવ્યો છે.
જામ કંડોરણામાં એક સાથે 351 દિકરીઓના સમુહ લગ્ન પ્રથમ વખત યોજાઈ રહ્યા હોય 75 વિઘા જમીનમાં મંડપ અને શાહીસમિયાણો બાંધવામાં આવ્યો છે. પાંચ હજાર જેટલા કાર્યકરો વ્યવસ્થા માટે તૈનાત રાખવામાં આવ્યા છે. એક સાથે દોઢ લાખ જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સમિયાણો રાજાશાહી થીમ ઉપર તૈયાર કરવામાં આવેલ હોય જામ કંડોરણામાં એક મોટા ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે. જયેશ રાદડિયાની આગેવાની હેઠળ તમામ સ્થાનિક આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.