જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર
21 બેઠક બિન અનામત, કુલ 18 બેઠકો સ્ત્રી માટે અનામત, ઓબીસીના ફાળે 10 બેઠકો
રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ રોટેશન આજે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. નવા રોટેશનમાં મોટા ભાગની બેઠકોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. સામાન્ય બેઠકો અનામતમાં અને અનામત બેઠકો સામાન્યમાં નાખી દેવામાં આવી છે. રોટેશન મુજબ કુલ 36 બેઠકોમાથી 21 બેઠકો સામાન્ય રાખવામા આવી છે. જેમા 11 બેઠકો સામાન્ય સ્ત્રી માટે અનામત રખાઇ છે. તેમજ ઓબીસી મહિલાઓ માટે પ અને અનુસુચિત જાતીની મહિલા માટે 2 બેઠકો મળી કુલ 18 બેઠકો સ્ત્રી અનામત જાહેર કરવામા આવી છે. રોટેશન મુજબ 36 બેઠકોમાથી 21 સામાન્ય, 10 ઓબીસી, 4 અનુસુચિત જાતી અને 1 બેઠક અનુસુચિત જનજાતી માટે ફાળવવામા આવી છે.
નવા રોટેશન મુજબ રાજકોટ તાલુકાનાં આણંદપર, જસદણનાં આટકોટ, ભડલી, જેતપુરની પેઢલા, જસદણની સાણથલી, રાજકોટની સરધાર, ગોંડલની શિવરાજગઢ, જસદણની શિવરાજપુર, કોટડાસાંગાણીની વેરાવળ અને જેતપુરની વિરપુર બીન અનામત સામાન્ય જાહેર કરાઇ છે. જયારે રાજકોટનાં બેડીની બેઠક ઉપરાંત બેડલા અને ભાડલા બેઠકો સામાન્ય સ્ત્રી માટે અનામત રખાઇ છે. આ સિવાય ગોંડલનાં દેરડી, પડધરી, ઉપલેટાનાં મોટી પાનેલીે, લોધીકાના પારડી, વિંછીયાની પીપરડી, ધોરાજીની સુપેડી, જેતપુરનાં થાણાગાલોલ તથા વિંછીયાની બેઠક સામાન્ય સ્ત્રી ઉમેદવારો માટે અનામત જાહેર કરાઇ છે.
જિલ્લાની બોરડી સમઢીયાળાની બેઠક અનુસુચિત જાતી માટે અનામત રખાઇ છે. તો ગોંડલની ચરખડી, જામ કંડોરણાની દડવી, ડુમીયાણી, કમળાપુર, કસ્તુરબા ધામ, કોલીથડ, કોટડાસાંગાણી, કુવાડવા, લોધીકા, મોવિયા વિગેરે બેઠકો સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રાખવામા આવી છે. આ ઉપરાંત ઉપલેટાના કોલ્કી, મોટી મારડ, પડધરીની સરપદડ બેઠકો અનુસુચિત જાતી માટે તેમજ જામ કંડોરણા બેઠક અનુસુચિત આદિજાતી માટે જાહેર કરાઇ છે.
