અયોધ્યા સોસાયટીમાં પાંચ દુકાનની છત તોડી પડાઈ
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફરિયાદોના આધારે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સેન્ટ્રલઝોન વિસ્તારમાં વોર્ડ નં. 3 માં અયોધ્યા સોસાયટી મુખ્ય માર્ગ ઉપર રક્ષિત કોમ્પલેક્ષમાં દુકાનોની માર્જીન જગ્યામાં છત ભરી કરવામાં આવેલ પાંચ દુકાનોની છત તોડી પાડી માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ કમિશનર એચ.આર. પટેલની સુચના અનુસાર સેન્ટ્રલઝોન ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આવેલ ફરિયાદના પગલે વોર્ડ નં. 3માં અયોધ્યા સોસાયટી 150 ફૂટ રીંગ રોડ ઉપર દુકાન ધારકોએ માર્જીનની જગ્યામાં કોલમ ભરી તેના ઉપર છત ભરી લીધેલ જેને અગાઉ 260/2ની નોટીસ આપવામાં આવેલ છતાં જાતે બાંધકામ દૂર ન કરાતા આજે ટીપી વિભાગનો કાફલો સ્થળ પર ત્રાંટક્યો હતો અને પાંચ દુકાનની આગળ કોલમ ઉપર ભરેલ છતનું બાંધકામતોડી પાડવામાં આવ્યું હતું. ટીપી વિભાગના જણાવ્યા મુજબ નવા નિયમનો લોકો ભરપુર માત્રામાં લાભ લઈ રહ્યા છે અને રોજે રોજ ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો આવતા ટીપી વિભાગે ત્રણેય ઝોનમાં સંકલન કરી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી વધુ ઝડપી બનાવી છે. જે અંતર્ગત આજરોજ પાંચ દુકાનોના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતાં. અને આગામી દિવસોમાં પણ ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે. તેમ જણાવ્યું હતું.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, રોશની શાખા, ફાયર બ્રીગેડ શાખા, સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.