રોણકીના મહિલાએ પાસપોર્ટ વેરિફિકેશનમાં બોગસ લિવિંગ સર્ટિ. રજૂ કરતા નોંધાતો ગુનો
રાજકોટમાં રોણકી પાસે જય જડેશ્વર બંગ્લોઝ નં. સી-27માં રહેતાં સંજનાબેન શિવકુમાર યાદવ નામની મહિલાએ પાસપોર્ટ કઢાવવા માટે કરેલી ઓનલાઈન અરજીમાં યુપીની સ્કૂલનું બનાવટી સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ પાસપોર્ટ ઓફિસમાં આપી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આ અંગે અમદાવાદના અને હાલ રાજકોટ રહેતા અને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા કુમારભાઈ ભરતભાઈ ગોસાઈ (ઉ.વ.51)ની ફરિયાદ પરથી સંજનાબેન યાદવ અને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.
કુમારભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેની ફરજ પાસપોર્ટ અરજદારના ડોકયુમેન્ટ વેરીફાય કરી ગ્રાન્ટેડ કરવાની અને પોલીસ વેરીફિકેશન માટે મોકલવાની છે.2012માં સરકારે ટીસીએસ કંપની સાથે એમઓયુ કર્યા હોય તે કંપનીનો આશરે 22 મેમ્બરનો સ્ટાફ પણ પાસપોર્ટ કેન્દ્રમાં કાર્યરત છે. જે કર્મચારીઓ એ-વન થી લઈ એ-13 કાઉન્ટરમાં ફરજ બજાવે છે. કર્મચારીઓ પૈકી ચાર કર્મચારીઓની ફરજ પાસપોર્ટ કેન્દ્રમાં આવેલ અરજદારને લાઈન હેન્ડલ કરવાની, અરજી સાથે આપેલ ડોકયુમેન્ટ વેરીફાય કરવાની અને ટોકન આપવાની હોય છે. બાદમાં અરજદારને અલગ-અલગ કાઉન્ટર ઉપર ટોકન મુજબ પાસપોર્ટ અરજી સાથે રજૂ કરેલા ડોક્યુમેન્ટ વેરીફાય કરવા માટે, ફીંગર પ્રિન્ટ અને ફોટા પડાવવા માટે મોક્લવામાં આવે છે.
ગઈ તા.7-2-23ના આરોપી સંજનાબેન યાદવને એન-165 ટોકન નંબર ફાળવાયો હતો. તેમને પાસપોર્ટ અરજી સાથે ડોકયુમેન્ટ વેરીફાય અને ફીંગર પ્રિન્ટ માટે એ-2 કાઉન્ટર ફાળવાયુ હતું.આ કાઉન્ટર પર કેવલ પટેલ ફરજ પર હતા. તેમના દ્વારા આરોપીના ડોક્યુમેન્ટની ખરાઈ કરી, સ્કેન કરી, ફોટા ફીંગર ઓનલાઈન સોફટવેરમાં લીધા હતા. આરોપીની ફાઈલ જનરેટ થયા બાદ અને ડોકયુમેન્ટ વેરીફાય સહિતની કામગીરી પુરી થયા બાદ બી-2 કાઉન્ટર જે બી-1 થી બી-4 સુધી હોય છે. જેમાં અરજદારને પાસપોર્ટ અરજીના ડોક્યુમેન્ટ મોકલવામાં આવે છે.
કાઉન્ટર પર સરકારી કર્મચારીઓ ફરજ બજાવે છે. ત્યા મોકલાયા હતો જ્યા આરોપીના ડોક્યુમેન્ટ વેરીફીકેશન ઓફીસર દ્વારા વેરીફાય થયા બાદ સી કાઉન્ટર પર ગયા હતા.
જેના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફીસર દ્વારા આરોપીના ડોક્યુમેન્ટબરાબર જણાય ન આવતા પાસપોર્ટ કેન્દ્રના મુખ્ય આસિસ્ટન્ટ પાસપોર્ટ ઓફિસરને મોકલાયા હતા.ત્યાંથી અમદાવાદની ઓફિસે મોકલાયા હતા.જયાં અધિકારીઓએ પાસપોર્ટ અરજીના ડોક્યુમેન્ટની ખરાઈ કરતાં આરોપીનું સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ કે જે સરસ્વતી શિશુ મંદિર સ્કુલ, રામબાગ બસ્તી, યુપીનું હોય તે ખરાઈ કરવા માટે મોકલતાં પ્રિન્સીપાલે આરોપીએ તેની શાળામાં અભ્યાસ કર્યો નહીં હોવાનું અને કોઈ સર્ટી આપ્યું નહીં હોવાનું જણાવ્યું હતું.આ અંગે પીએસઆઈ એમ.કે.મોવલિયા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.