ઇસ્ટ ઝોનમાં છ વોર્ડના રસ્તાઓ રૂા.66.57 કરોડના ખર્ચે મઢી દેવાશે
સોમવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગમાંથી 33 દરખાસ્ત સાથેનો એજન્ડા મંજૂરી અર્થે રજૂ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સોમવારના રોજ મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 33 દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે. જે પૈકી ઇસ્ટઝોનના છ વોર્ડમાં નવી બનેલ સોસાયટીઓ તેમજ ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડ રસ્તા સહિતના પેવરકામ કરવામાં આવશે. છ વોર્ડના તમામ રોડ રસ્તાઓ મઢવા માટે રૂા.66.57 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવશે તેવી જ રીતે શીતલ પાર્ક કપાત મુદ્દે વળતર આપવાની એક ખાસ વ્યકતિ માટેની ખાસ દરખાસ્ત ફરી વખત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે. તે મંજૂર થાય તેવી શક્યતા નહીંવત છે. છતાં જો ઘીના ઠામમાં ઘી પડી ગયું હશે તો દરખાસ્ત મંજૂર થવાની શક્યતા પણ જોવાઇ રહી છે.
મનપાની સ્ટેન્ડિંગની બેઠકમાં 33 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.15માં દધૂસાગર રોડને લાગુ ડીઆઇ પાઇપલાઇન હાઉસ કનેકશન તેમજ વોર્ડ નં.6માં મેટલીંગ કામ તથા વોર્ડનં.5માં મનસાનગર સીસીરોડનું કામ તથા વોર્ડ નં.15માં સોલીડવેસ્ટ કોન્ઝવન્સી માટે નવી ઓફિસ બનાવવાનુ તથા કુવાડવા રોડથી પડેક રોડ સુધીના વોકળામાં આરસીસી દિવાલ બનાવી તેમજ વોર્ડનં.4માં જૂદી જૂદી સોસાયટીમાં ડ્રેનજ પાઇપલાઇન નાખવાનુ તથા વોટરવર્કસ વિભાગ દ્વારા જૂના વાલ્વ ટાવર પંમ્પીંગ મશીનરીનું વાર્ષિક સંચાલન તથા વોર્ડ નં.15માં રાધામીરા ઇન્ડસ્ટ્રીલય એરીયામાં મેટલીંગ કામ વોર્ડ નં.18માં સ્વાતીપાર્કમાં નવો ગ્રાર્ડન બનાવો અને તિરંગાયાત્રા કાર્યક્રમ અને યોગદિવસ કાર્યક્રમ તથા વિવિધ પ્રકલ્પનોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોના ખર્ચ મંજૂર કરવા અને અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને આથિર્ક તબીબી ચૂકવા સહિતની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે.
મનપાની સ્ટેન્ડિંગની બેઠકમાં રજૂ થયેલ દરખાસ્તો પૈકી આ વખતે પણ કર્મચારીઓ અને અધિકારીઓને આપવામાં આવતી આર્થિક તબીબી સહાયની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. અગાઉ ચેરમેન દ્વારા પ્રોજેકટના ખર્ચની દરખાસ્ત રજૂ થાય ત્યારે આ એજન્ડામાં તબીબી સહાયની દરખાસ્ત ન કરવી તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવેલ તેમજ દર માસે ફકત તબીબી સહાય માટેનો અલગથી એજન્ડા તૈયાર કરી દરખાસ્ત રજૂ કરવામાં આવે તેમ જણાવેલ છતાં દર વખતે તમામ સ્ટેન્ડિંગમાં તબીબી સહાયની દરખાસ્ત રજૂ કરવામાં આવી રહી છે.
કનક રોડ ફાયર સ્ટેશન રૂા.10.64 કરોડના ખર્ચે નવ નિર્માણ પામશે
મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ કનક રોડ ઉપર વર્ષો જૂનુ જર્જરિત ફાયર વિભાગનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે તેના સ્થાને અંદાજીત 1293 ચો.મીટર એરીયામાં જી+3 માળનું ફાયર સ્ટેશન તથા ઓફિસ તથા મીટિંગ હોલ તથા ટેરસ ઉપર ટુ-વ્હિલર પાર્કિંગ સહિતનુ બાંધકામ કરવામાં આવશે. જેના માટે રૂા.9.01 કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ અને આ કામ હવે 16.74% ઓનથી એજન્સીને આપી ફાયર સ્ટેશનનું કામ ચાલુ કરવામાં આવશે.
વોર્ડ નં.14ની શાળા નં.51 નવી બનાવાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રોલ ઝોન વોર્ડ નં.14માં આવેલ શાળા નં.51 વિક્રમ સારાભાઇ પ્રાથમિક શાળાના જુના બિલ્ડિંગને તોડી પાડી આદ્યુનિક મોર્ડલ સ્કૂલ બનાવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અંદાજીત 966 ચો.મીટર એરીયામાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં પ્રિન્સિપાલ રૂમ, ટીચર રૂમ મળી કુલ 13 કલાસરૂમનું બાંધકામ તેમજ મધ્યહાન ભોજન શેડ સહિતનું બાંધકામ રૂા.3.10 કરોડના ખર્ચ કરવામાં આવશે.
રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું પેવેલિયન નવું બનાવાશે
રેસકોર્ષ ખાતે આવેલ માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલીયનનું નવીનીકરણનો નિર્ણય લીધા બાદ હવે જૂનુ બિલ્ડિંગ દૂર કરી હવે નવુ બિલ્ડિંગ બનાવા માટે રૂા.5.17 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં આવતી કાલની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજૂર કરે આશરે 2150 ચો.મીટર સ્લેબ બીલ્ટઅપ એરીયામાં ફ્રેમ સ્ટ્રકચર લાગુ એરીયામાં સહ ડેવલોપ કરવામાં આવશે.
મવડી અને રેસકોર્સ ઇન્ડોર સ્ટેડિયમમાં ડિપોઝીટ અને મેન્ટેનન્સ સહિતના ચાર્જ રદ કરાયા
રેસકોર્ષ સંકૂલ ખાતે આવેલ ટેનિસ કોટ, બાસ્કેટ બોલ કોટ, જીમ, હોકી ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, યોગ સેન્ટર સહિતના સ્પોર્ટ્સ સભ્ય પદના ફિના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં ત્રિ-માસીક અને વાર્ષિક એક બે સત્રનો ઉલ્લેખ કરાયો છે. તેવી જ રીતે મવડી ખાતે તાજેતરમાં લોકાર્પણ થયેલ ઇન્ડોર સ્ટેડિયમની વિવિધ રમત ગમતો માટેના ભાડાના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ ખાસ કરીને અગાઉ લેવામાં આવતી તમામ પ્રકારની ડિપોઝીટ અને મેન્ટનેન્સ ચાર્જ અને સિક્યુરિટી ડિપોઝીટ સહિતના ચાર્જ રદ કરવામાં આવ્યા છે. જેની દરખાસ્ત સોમવારની સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવશે.