વિસાવદરમાં પેરીસ જેવા રોડ બનશે, પેરીસ ફરવાની ટિકિટ કેન્સલ કરી નાખજો!
પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જાહેરમાં ગેરેંટી બાદ સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ થયા!
વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બની ગયું છે ત્યારે ઉમેદવારોએ જોરસોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે પ્રચારમાં ઉમેદવારો દ્વારા જાહેર કરાતી મસમોટી જાહેરાતોને કે ગેરેંટીઓને લોકોએ સોશિયલ મીડિયામાં રમુજ સ્વરૂપે વાયરલ કરવાનું ચાલુ કરી દીધું છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા વિસાવદરમાં પેરીસ જેવા રોડ બનાવવામાં આવશે તેવી જાહેરાતના પગલે હવે સોશિયલ મીડિયામાં અનેક મીમ્સ પરતા થયા છે.
વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ લોકોને ખાતરી આપી રહ્યા છે કે, ચૂંટણી પુરી થાય એટલે 800 દિવસમાં વિસાવદરમાં પેરીસ જેવા રોડ બનાવડાવીશ જેની સામે સોશિયલ મીડિયામાં લોકો ટીખળ સ્વરૂપે લખી રહ્યા છે કે, એક પાર્ટીના ઉમેદવાર 800 દિવસમાં પેરીસની બજાર જેવા રોડ રસ્તા વિસાવદરમાં બનાવી દેવાની વાત કરે છે હદ છે હો, ક્યાંથી લાવતા હશે આવું. તો અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, કારીગરનો દિકરો બે ચૂંટણી જીવતી લાગે છે બે વર્ષ આ અને પછી. સૌથી વધારે રમુજ કરતી પોસ્ટમાં જાહેર કરાયું છે કે, હવે પેરીસ ફરવા જવાની ટીકીટ કેન્સલ કરાવી નાખજો કેમ કે, વિસાવદરમાં પેરીસ જેવા રોડ બનશે આ સાથે જ અન્ય યુઝર્સે લખ્યું છે કે, 30 વર્ષ થયા એક પણ મહાનગરપાલિકામાં પેરીસ જેવા રોડ બન્યા નથી. અને તમે વિસાવદરમાં બનાવશો? તમે ફેંકવામાં થોડુ માપ રાખો!.