મધદરિયે રો-રો ફેરીનું એન્જિન બંધ થઈ જતાં અંધારામાં ધબાધબી, સ્ટાફ છૂપાઈ ગયો
સુરતથી ઘોઘા તરફ જતી રો-રો ફેરીમાં મોટો ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. શુક્રવારે રાતના અંધારામાં મધદરિયે અચાનક ફેરીનું એન્જિન ઠપ થઈ જતાં બોટ ખોટવાઈ ગઈ હતી, જેના કારણે તેમાં સવાર પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. રો-રો ફેરી એકાએક બંધ થઈ જવાની ઘટનાને પગલે પ્રવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મુસાફરોએ સ્ટાફની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
પ્રવાસીઓનો ગુસ્સો જોઈને ફેરીના સ્ટાફની હાલત કફોડી બની હતી. ગુસ્સે ભરાયેલા પ્રવાસીઓથી બચવા માટે રો-રો ફેરીનો સ્ટાફ જુદી જુદી જગ્યાએ છુપાઈ ગયો હતો. સ્થિતિ વણસતી જોઈને ફેરીના પાયલટે કેબિન અંદરથી બંધ કરી દીધી હતી. કેટલોક સ્ટાફ તો બોટમાં લોડ કરાયેલા ટ્રકોની પાછળ છુપાઈ ગયો હતો.
સુરત અને ઘોઘા વચ્ચેનો દરિયાઈ માર્ગ ટૂંકો હોવા છતાં, મધદરિયે એન્જિન બંધ પડવાથી રાત્રિના સમયે પ્રવાસીઓને સુરક્ષા અને સંચાલન વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને કારણે ફેરી સર્વિસની ટેક્નિકલ જાળવણી અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયું છે.
