રાણાવાવ-કુતિયાણામાં કાંધલનો સપાટો, ભાજપના ઢેલીબેન ઓડેદરાના ત્રીસ વર્ષના શાસનનો અંત
કુતિયાણામાં 28માંથી 20 અને રાણાવાવમાં 24માંથી 14 બેઠકો સાથે સમાજવાદી પાર્ટીનું શાસન
ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ ચૂંટણી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની હતી તેમાં સમાજવાદી પાર્ટીના બાહુબલી ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાની રાજકીય તાકાત સાબિત કરી દીધી છે અને બન્ને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની બહુમતિ સાથે શાસનધુરા સંભાળી ગુજરાત ભાજપને જબરો પડકાર ફેંક્યો છે.
આજે યોજાયેલી મતગણતરી દરમિયાન કુતિયાણા નગરપાલિકાની 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીએ 14 બેઠક સાથે સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી હતી. જ્યારે ભાજપને 10 બેઠક મળી હતી.
આજ રીતે રાણાવાવ નગરપાલિકામાં પણ સમાજવાદી પાર્ટીએ સપાટો બોલાવ્યો હતો અને 28માંથી 20 બેઠક જીતી લીધી હતી. જ્યારે 8 બેઠક ભાજપના ફાળે ગઈ હતી.
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા વિસ્તાર કાંધલ જાડેજાના મતવિસ્તાર હેઠળ આવતો હોવાથી આ બન્ને નગરાપલિકાઓની ચુંટણી ઉપર સમગ્ર ગુજરાતની નજર હતી ખાસ કરીને કુતિયાણા નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપના ઢેલીબેન ઓેડેદરાનું એકચક્રિય શાસન હતું પરંતુ કાંધલ જાડેજાએ કુતિયાણા નગરપાલિકામાં પોતાના ભાઈ કાના જાડેજા સહિત તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખી ભાજપ માટે મોટો પડકાર ઉભો કર્યો હતો. અંતે ઢેલીબેન ઓડેદરાના 30 વર્ષ જૂના એકચક્રી શાસનનો અંત આવ્યો છે.
આ જ રીતે રાણાવાવ નગરપાલિકામાં પણ સમાજવાદી પાર્ટીએ 28માંથી 20 બેઠકો જીતીને તોતિંગ બહુમતિ મેળવી લીધી છે. આ રીતે પોતાના મત વિસ્તારમાં કાંધલ જાડેજાએ પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.