અનંતમાં મારા પિતાને જોઉ છું: મુકેશ અંબાણી
- દેશ-વિદેશથી આવેલા મહેમાનોને ‘નમસ્તે’ અતિથિ દેવો ભવ: કહીને આવકાર્યા
- નીતા અંબાણીને એનર્જીનો ભંડાર ગણાવ્યા, અનંત-રાધિકા યે તો રબને બનાદી જોડી કહ્યું
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન યોજાઈ રહ્યું છે. ફંકશનના પ્રથમ દિવસે દેશ-વિદેશમાંથી પોતાના મહેમાન બનેલા લોકોને ‘નમસ્તે’ અને ‘અતિથિ દેવો ભવ:’ કહીને આવકાર્યા હતા. દેશ વિદેશના મહેમાનોને કહ્યું હતું કે, અમે અમારા મહેમાનોને ભગવાનોન દરજ્જો આપીએ છીએ. તો સાથે આજના ખાસ દિવસે મુકેશ અંબાણીએ પિતા ધીરુભાઈને યાદ કરતા કહ્યું હતું કે, સ્વર્ગમાંથી મારા પિતાજી મારા પર આશીર્વાદ વરસાવી રહ્યા હશે. મારા પિતાજી આજે ઘણા જ ખુશ થઈ રહ્યા હશે, કારણ કે, તેમના ફેવરિટ પૌત્ર અનંતનું વેડિંગ ફંકશન આજે તેમની મનપસંદ જગ્યા જામનગરમાં યોજાઈ રહ્યું છે.
નમસ્તે ને ગુડ ઇવનિંગ. ભારતીય પરંપરા પ્રમાણે અમે અમારા દરેકે દરેક મહેમાનોને અતિથિ દેવો ભવ: કહીએ છીએ. એટલે કે અમે અમારા મહેમાનને ભગવાનનો દરજ્જો આપીએ છીએ. જ્યારે હું તમને નમસ્તે કરું છું ત્યારે મારામાં રહેલી પવિત્રતા તમારામાં રહેલી પવિત્રતાનું અભિવાદન કરે છે. તમે બધાએ લગ્નના માહોલને મંગલમય બનાવી દીધો છે. આભાર દિલથી આભાર.
અનંતને રાધિકા જ્યારે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે ત્યારે આપ સૌના આશીર્વાદ તેમના માટે શુભ રહેશે. સ્વર્ગમાંથી મારા પિતાજી ધીરુભાઈ અંબાણી તેમના પર આશીર્વાદ વરસાવી રહ્યા હશે. મારા પિતાજી આજે ઘણાં જ ખુશ થઈ રહ્યા હશે, કારણ કે તેમના ફેવરિટ પૌત્ર અનંતના વેડિંગ ફંક્શન આજે તેમની મનપસંદ જગ્યા જામનગરમાં યોજાઈ રહ્યા છે. જામનગર પિતાજીને મારા માટે કર્મભૂમિ રહી છે.
આગળ મુકેશ અંબાણીએ મહેમાનોને કહ્યું કે, મિત્રો, હવે મને અનંત ને રાધિકા અંગે બે શબ્દો કહેવા દો. સંસ્કૃતમાં અનંતનો અર્થ થાય છે, જેનો કોઈ અંત નથી. હું અનંતમાં અનંત ક્ષમતાઓનો ભંડાર જોઈ શકું છું. હું અનંતમાં અનંત શક્તિઓ જોઉં છું. હું જ્યારે પણ અનંતને જોઉં છું, ત્યારે મને તેનામાં મારા પિતા ધીરુભાઈ અંબાણીની ઝલક જોવા મળે છે. તે પણ કરી શકીએ છીએ, કરીશું જ અને કંઈ જ અશક્ય નથી, તે અભિગમમાં માનનારો છે. રાધિકામાં તેને આદર્શ જીવનસાથી મળી છે. રાધિકામાં રચનાત્મક એનર્જી છે. તે પ્રેમાળ ને કેરિંગ છે. સાચું કહું તો રાધિકાનો અર્થ છે, ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મનગમતી પ્રિયતમા. રાધિકા અને અનંત, અનંત અને રાધિકા. યે તો રબને બના દી જોડી હૈ. મારા પ્રિય મિત્રો, મહેમાનો ને પરિવારજનો પ્લીઝ યાદ રાખજો કે ઉત્સાહ ને યાદગાર એક્ટિવિટીના ત્રણ દિવસો આ સર્વની રાહ જોઈ રહ્યા છે.
નીતાએ છેલ્લા ઘણા મહિનાઓથી થાક્યા વગર એકલા હાથે નાનામાં નાની વાતનું ધ્યાન રાખીને આ પ્રોગ્રામને સારો ને પર્ફેક્ટ બનાવવા માટે દિવસ-રાત જોયા વગર મહેનત કરી છે. ચાર દાયકાથી હું તેનો જીવનસાથી હોવા છતાં આજે પણ મને ખ્યાલ નથી કે તેનામાં આ અનંત એનર્જીનો ભંડાર ક્યાંથી આવે છે. હું માત્ર અનુમાન જ લગાવી શકું કે મા અંબાની આરાધના તથા તેના બાળકો માટેનો અનંત પ્રેમ તેને આ એનર્જી પૂરી પાડે છે. તેથી હું આપ સૌને વિનંતી કરીશ કે નાચો, ગાઓ અને આ પ્રી વેડિંગ ફંક્શનમાં મગ્ન થઈ જાવ. મનથી ફરી એકવાર યુવાન બની જાવ અને એમાં હું સૌથી વધારે પ્રયાસ કરીશ. જામનગરમાં તમારું સ્વાગત છે. મારા માટે અહીં આવનાર એકે એક વ્યક્તિ વીઆઈપી છે. આપ સૌનું સ્વાગત છે.