લોકમેળાઓનો બહિષ્કારની જાહેરાત વચ્ચે રાઇડ્સ સંચાલકોમાં ભાગલા
સિમેન્ટ ફાઉન્ડેશન બનાવવા સહિતના કડક નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે તો લોકમેળાઓમાં ભાગ નહીં લેવાનો એમ્યુઝમેન્ટ એસો.નો નિર્ણય
રાજકોટમા આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનાર લોકમેળામાં સેફટીના કડક નિર્ણયોના કારણે રાઇડ્સ ધારકોએ તંત્ર સામે મોરચો ખોલી દીધો છે અને નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ લોકમેળાઓનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. ત્યારે બીજી તરફ રાઇડ્સ સંચાલકોમાં ભાગલા પડી ગયા હોય તેમ યાંત્રીક વિભાગના ધંધાર્થી એકજુથે 20 જેટલા ફોર્મ ઉપાડયા છે. રાજકોટમાં ગઇકાલે યોજાયેલી ગુજરાત એમ્યુઝમેન્ટ એસો.ની બેઠકમાં રાઇડ્સ માટેના 10 નિયમો અને હંગામી લાયસન્સ માટેની 24 શરતો અંગે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો હતો.રાજકોટમાં ગત વર્ષે TRP ગેમઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સરકારે રાઈડ્સધારકો માટે બનાવેલી કડક SOPને લઈને ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે. બીજી તરફ આજે જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ઉપાડવા માટે વેપારીઓનો ઘસારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે 5 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે આજે બીજા દિવસે 40 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.
આ 40 ફોર્મ પૈકી સુરેન્દ્રનગરના એક વ્યક્તિએ યાંત્રિક રાઈડ્સ માટેના 20 ફોર્મ ઉપાડ્યા છે, જે દર્શાવે છે કે કેટલાક રાઈડ આયોજકો વચ્ચે જ અંદરોઅંદર ફાંટા પડ્યા છે. આ ઉપરાંત, 25 જેટલા આઈસ્ક્રીમ, ખાણીપીણી, તેમજ રમકડા સહિતના સ્ટોલો માટેના ફોર્મ પણ ઉપાડવામાં આવ્યા છે.કુલ 238 સ્ટોલ/પ્લોટની ફાળવણી કરવામાં આવશે.સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના વિવિધ મેળાઓમાં રાઈડ સંચાલક તરીકે જાણીતા જાકીરભાઈએ જણાવ્યું હતું કે, અમે રાઈડ સંચાલકોના આંદોલનમાં જોડાયા નથી અને આગામી દિવસોમાં શનિવાર સુધીમાં અમે પણ ફોર્મ ઉપાડવાના છીએ. આ વખતે લોકમેળામાં અમે પણ ભાગ લેવા જઈ રહ્યા છીએ.
તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાઈડ સંચાલકોમાં પણ બે ભાગ પડી ગયા છે. આ પુર્વે રાજકોટમાં ગઇકાલે યોજાયેલી ઓલ ગુજરાત મેળા એસોસિએશનની બેઠકમાં 20 વર્ષ જૂના એસોસિએશન સાથે જોડાયેલા 450 સભ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ચર્ચાના અંતે એવો આકરો નિર્ણય લેવાયો છે કે, જો સરકાર દ્વારા SOP માં છૂટછાટ નહીં મળે, તો ગુજરાતમાં થતા 4000 થી પણ વધુ મેળાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. એસોસિએશન એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં.ગુજરાત મેળા એસોસિએશને જણાવ્યું હતું કે, TRP ગેમઝોન દુર્ઘટના બાદ મેળામાં રાઈડ્સ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી 10 મુદ્દાની SOPમાંથી અમુક મુદ્દાઓ મેળા સંચાલકો અને રાઈડ્સધારકો માટે અત્યંત મુશ્કેલ અને અવ્યવહારુ છે. જેમાં રાઈડ્સ સિમેન્ટના ફાઉન્ડેશન ઉપર તૈયાર કરવાનો નિયમ. આનો ખર્ચ ખૂબ જ વધારે હોવાથી નાના મેળાના વેપારીઓને પોસાય તેમ નથી. રાઈડનું બિલ માંગવામાં આવે છે. પરંતુ, મોટાભાગની રાઈડ્સ એસેમ્બલ હોય છે અને 10 થી 15 વર્ષ જૂની હોય છે, જેથી તેનું કોઈ મૂળ બિલ હોતું નથ, રાઈડ્સ ઓપરેટરનું લાયસન્સ માંગવામાં આવે છે, જે હાલની પરિસ્થિતિમાં શક્ય જ નથી.
ગુજરાત મેળા એસોસિએશનમાં રજીસ્ટર થયેલા 450 સભ્યો છે અને આ લોકમેળાઓ ઉપર હજારો લોકોનું ગુજરાન ચાલે છે. ગુજરાતમાં 2 દિવસથી લઈને 70 90 દિવસ સુધીના 4,000થી પણ વધુ મેળાઓ થાય છે. જો આ મુદ્દાઓને લઈને સરકાર દ્વારા હળવા નિયમો કરવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતના તમામ લોકમેળાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.કડક SOP સાથે એક પણ જગ્યાએ મેળા યોજવા શક્ય નથી, પરંતુ ગત વર્ષે અમુક જગ્યાએ જે મેળાઓ યોજાયા હતા, તે કદાચ કોઈની ભલામણથી, રાજકીય વગથી અથવા તો ભ્રષ્ટાચારથી યોજવામાં આવ્યા હોય તેવું તેમને લાગી રહ્યું હોવાના એક્ષોપો પણ થયા હતા.
ખુલ્લા મેદાનમાં મેળાઓ માટે SOP અવ્યવહારુ
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા રાજકોટ સિટી રાઈડ ઇન્સ્પેક્શન એન્ડ સેફ્ટીના ચેરમેનને કરેલી રજૂઆતમાં પણ જણાવાયું છે કે, TRP ગેમઝોન અકસ્માત બાદ લોકોની સલામતી માટે સરકારે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાતા ધાર્મિક મેળા, આનંદ મેળાની મનોરંજન રાઈડ્સ માટે SOPબહાર પાડી છે. જોકે, આ SOPના નિયમો મોટી રિફાઈનરીની મશીનરી, ફેક્ટરીના મશીનરી અને મોટા કાયમી પાર્કની રાઈડ્સ કે અઈ હોલમાં ચાલતા ગેમઝોન માટેના નિયમો છે. મશીનરી બનાવતી કંપની દ્વારા ડિઝાઈન અને ઓપરેશનની જાણકારીની બુકલેટ, બિલ, ઉત્પાદનકર્તા દ્વારા નક્કી થતી સમયમર્યાદા વગેરે બાબતો કાયમી પાર્ક માટે યોગ્ય છે, પરંતુ હંગામી ધોરણે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાતા મેળા માટે આ જઘઙના નિયમોનો અમલ કરવો મુશ્કેલ જ નહીં, પણ અશક્ય છે.