‘ફટાકડી’ના શોખીનોની ક્રાઇમ કુંડળીની સમીક્ષા શરૂ, 500 હથિયાર લાઇસન્સ રદ
વર્ષ 2016માં 60784 અને 2023માં 67308 લાઇસન્સની લ્હાણી, હવે રેલો આવ્યો
ગુજરાતમા છેલ્લા કેટલાક વર્ષોથી આડેધડ હથિયાર પરવાનગી લ્હાણી કરાયા બાદ હવે રાજયના ગૃહ વિભાગે ગન લાઇસન્સ લેનાર લોકોની કુંડળીની સમિક્ષા શરૂ કરી 500 જેટલા ગન લાઇસન્સ રદ કરી નાખ્યા છે.
મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી લાઇસન્સ વાળા હથિયારોથી ગુના નોંધાતા ગૃહ વિભાગ દ્વારા લાયસન્સ લેનારાઓની કુંડળીની સમીક્ષા શરૂ કરી જેની સામે ક્રિમિનલ ગુના નોંધાયા હોય તેવા લોકોના હથિયાર લાયસન્સ રદ કરવાનુ શરૂ કરતા આગામી દિવસોમા ઘણા લોકોના ‘ફટાકડી’ના લાઇસન્સ રદ થવાની શકયતા છે.
રાજ્યના ગૃહ વિભાગે એકસાથે વર્તમાન 500 ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. વિગતો મુજબ ગુજરાત સરકારે નવા ગન લાઈસન્સ પર બ્રેક લગાવી છે. ગન લાઈસન્સ બાબતે રાજ્ય સરકાર ગંભીર વિચારણા શરૂૂ કરી છે. નોંધનીય છે કે, વર્ષ 2016માં 60,784 લાઈસન્સ, વર્ષ 2023માં 67,308 ગન લાઈસન્સ ઈશ્યું થયા હોવાનુ સામે આવ્યુ છે.
આ તરફ હવે રાજ્ય સરકારે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા શરૂૂ કરી છે. આ સાથે નવા લાઈસન્સ પર બ્રેકની સાથે વર્તમાન લાઈસન્સની સમીક્ષા કરાશે. જોકે ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાઈસન્સ રદ્દ થવાની સંભાવના નકારી શકાય નહિ.
અનેક કિસ્સાઓમા નીતિ-નિયમો નેવે મુકીને હજારોની સંખ્યામા ગન લાઇસન્સ ઇસ્યુ કરવામા આવ્યા હતા જેનો ઘણા લોકો દુર ઉપયોગ કરતા હોવાનુ પણ સામે આવ્યુ છે .