મહેસૂલી કર્મચારીઓની જડબેસલાક હડતાળ, કચેરીઓ સૂમસામ
સરકારના રજા નામંજૂર કરવાના આદેશનો ઉલાળિયો કરી રાજકોટ જિલ્લાના 400 કર્મચારીઓ એક દિવસની સામૂહિક રજા પર ઉતરી ગયા, કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર
ગુજરાતના ચાર હજાર જેટલા મહેસુલી કર્મચારીઓ આજે તેઓની વિવિધ પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા એક દિવસ સામુહિક રજા ઉપર ઉતરી જતા મહેસુલી કચેરીઓ સુમસામ ભાસતી હતી અને વિવિધ કામ માટે આવેલા અરજદારો રઝળી પડ્યા હતા. રાજકોટ જિલ્લામાં 400 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરીગયા હતા અને કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી પોતાની પડતર માંગણીઓ અંગે સુત્રોચ્ચાર કર્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓની સી.એલ. રદ કરવામાં આવી હોવા છતા મહેસુલી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી ગયા હતા અને દિવસોમાં મહેસુલી કર્મચારી મંડળ દ્વારા જે કાર્યક્રમો જાહેર કરવામાં આવે તે મુજબ આંદોલન કરવાની જાહેરાત કરી હતી.
તાજેતરમાં સરકાર દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની મોટાપાયે જિલ્લાફેર બદલીઓ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો અને મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા આ બદલીઓ રદ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરાઇ હતી. પરંતુ સરકારે માંગણી ફગાવી દેતા મહેસુલી કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં જરૂર પડે તો બેમૂદતી હડતાલ પાડવા સુધીનું એલાન કરાયું છે.
આજે રાજકોટ જિલ્લાના 400 જેટલા નાયબ મામલતારો હડતાલ ઉતર્યા છે તેમના કારણે શહેર અને જિલ્લાની ઝોનલ કચેરીઓના કામકાજ પણ ખોરવાયા હતા. અને અરજદારો પણ હેરાન થયા હતા. જન સેવા કેન્દ્ર તેમજ અન્ય સેવાઓ પણ ખોરવાઈ હતી. સાથે જ આજે ઈ કેવાયસી કરાવવા માટે પણ છેલ્લો દિવસ હતો. જેના કારણે લોકો વહેલી સવારથી જ ઇ- કેવાયસી કરાવવા માટે પણ વહેલી સવારથી જ લોકો કચેરીઓ ખાતે પહોંચી ગયા હતા. પરંતુ આજે નાયબ મામલતારોની હડતાલના કારણે કોઈપણ કામ થયા ન હતા અને કચરિયો ખાલી કામ જોવા મળી હતી. બીજી તરફ સરકારની સુચનાના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા આજે રજા પર ઉતરેલા તમામ કર્મચારીઓની ગેરહાજરી પૂરી સેવાતુટ સહિતની નિયમાનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે, મહેસુલી કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે સરકારમાં લાંબા સમયથી રજૂઆતો કરવા છતા કોઇ નિરાકરણ આવતુ નથી. જિલ્લા ફેર બદલી, સમયસર પ્રમોશન, ખાતાકિય પરીક્ષા, ખાલી જગ્યાઓ નિરવા ઉપરાંત જૂની પેન્શન યોજના લાગુ કરવી અને પગાર વિસંગતતા દુર કરવા જેવી અનેક માંગણીઓ સરકાર સમક્ષ વખતો વખત રજૂ કરવામાં આવી છે. છતા કોઇ ઉકેલ આવ્યો નથી. તેથી આંદોલન કરવાની ફરજ પડી છે.
તેમણે જણાવેલ કે, આગામી દિવસોમાં પણ મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા જે કાર્યક્રમો જાહેર કરવામાં આવે તે મુજબ આંદોલન ચાલુ રહેશે.
હડતાળ અંગેનો રિપોર્ટ સરકારને કરવામાં આવશે: કલેકટર
અત્યારે આજે મહેસુલ કર્મચારીઓને હડતાલ લઈ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ જણાવ્યું હતું કે જેટલા પણ કર્મચારીઓ હડતાલ પર ગયા છે. તે સમગ્ર ઘટનાનો રિપોર્ટ સરકારને કરવામાં આવશે અને સરકાર તરફથી જે કોઈ પણ પગલા લેવા માટેનો આદેશ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે