જમણવારમાંથી પરત ફરતા દંપતીને સમડી ભટકાઇ, 90 હજારના સોનાના ચેઇનની ચીલઝડપ
પતિએ બૂમો પાડી કોઇ મદદ માટે આવે તે પહેલા જ બંન્ને શખ્સો ફરાર, જૂના મોરબી રોડની ઘટના
જુના મોરબી રોડ પર મોડી રાતે એક્ટીવામાં સવાર મહિલાના ગળામાંથી 90 હજારના સોનાના ચેઇનની ઝોંટ મારી બે શખ્સો ફરાર થઈ જતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ,જુના મોરબી રોડ પર જકાતનાકા પાસે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતાં અરજણભાઈ મોહનભાઈ પાનસુરીયા(પટેલ) (ઉ.વ.59) એ ફરીયાદમાં જણાવ્યું હતું કે,તેઓ માલીયાસણ ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે સાંજના છ વાગ્યાની આસપાસ તેમના પત્ની અને દસ વર્ષીય પૌત્ર સાથે એક્ટીવામાં તેમના નવાગામ દિવેલીયાપરામાં રહેતાં સંબંધી જયંતીભાઇ વસોયાની ઇમીટેશનની ભઠ્ઠી ખાતે જમણવાર રાખ્યું હોય ત્યાં ગયા હતાં. બાદમાં રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવતા હતા ત્યારે મોરબી રોડ પર મયુર ભજીયા વાળાની દુકાનની સામે પહોચતા એક બાઈકમાં ડબલ સવારીમાં આવેલા શખ્સોએ પાછળથી આવી તેમને પોતાનું બાઈક એક્ટિવા નજીક ચલાવી ફરિયાદીની પત્ની જે પાછળ બેસેલ હોય તેમને ગળામાં પહેરેલ સોનાની ત્રણ તોલાની માળા 90 હજાર ની ગળામાંથી ઝુંટવી લઇ મોરબી જકાતનાકાથી જુના મોરબી રોડ તરફ પોતાનું બાઈક શખ્સો નાસી છૂટ્યા હતાં.
ફરિયાદીએ દેકારો કર્યો પણ બંને શખ્સો તેમના પત્નીના ગળામાંથી રૂૂ.90 હજારનો સોનાનો ચેઇન ઝુંટવી ભાગી ગયા હતા.બાદમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી બી ડિવિઝન પોલીસે અજાણ્યાં શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ જે.આર.સોલંકી અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.