સોમનાથ જતા એમ.પી.ના નિવૃત્ત DYSPનું હાર્ટએટેકથી મોત, કુલ ત્રણનાં ભોગ લીધા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાર્ટએટેકથી વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. સૌરાષ્ટ્ર દર્શને આવેલા મધ્યપ્રદેશના નિવૃત્ત ડીવાયએસપી દ્વારકાથી સોમનાથ દર્શને જતા હતા ત્યારે ચાલુ ટ્રેનમાં હાર્ટએટેક આવતા મોત નિપજ્યુ હતું. જયારે રૈયા ગામે ઇન્સ્યોરન્સ કપીનીના નિવૃત્ત એડીએમ અને પરા પીપળીયાના પ્રૌઢને હૃદય રોગનો હુમલો ભરખી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના નિવૃત્ત ડીવાયએસપી કમલ ભાનું સિંધ મુત્વજયદેવ સિંહ કરચોલી (ઉ.વ.67) સૌરાષ્ટ્રમાં દર્શનાર્થે આવ્યા હોય અને દ્વારકાથી ઓખા-સોમનાથ ટ્રેનમાં બેસી સોમનાથ દર્શન કરવા જતા ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર પહોંચતા ચાલુ ટ્રેનમાં બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટ એટેકથી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે રેલવે પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં પરા પીપળીયા ગામે રહેતા ભીખાભાઇ આલાભાઇ તાલાસરા (ઉ.વ.54) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઇ બે બહેનમાં વચેટ અને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. હૃદય રોગનો હુમલો આવતા મૃત્યુ થયાનું તબીબો દ્વારા જણાવાયુ છે.
જયારે ત્રીજા બનાવમાં રૈયા ગામે રહેતા મંગલભાઇ મુળજીભાઇ પરમાર (ઉ.વ.76)નામના વૃધ્ધ ગઇકાલે સાંજે પોતાના ઘરે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નિપજ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક આઠ ભાઇમાં વચેટ અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે તેઓ અગાઉ યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપીનમાં એડીએમ હતા અને હાલતમાં નિવૃત્ત હતા. હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.