For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ સંગઠનની પુનર્રચનાનો પ્રારંભ, નવા વર્ષે મળશે નવા પ્રમુખ

12:23 PM Oct 19, 2024 IST | Bhumika
ભાજપ સંગઠનની પુનર્રચનાનો પ્રારંભ  નવા વર્ષે મળશે નવા પ્રમુખ
Advertisement

ચૂંટણી અધિકારી તરીકે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, સહ ચૂંટણી અધિકારી તરીકે ધવલ દવે-હિતેશ પટેલની નિમણૂક

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તાનો દબદબો ધરાવતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની મુદત પુરી થતાં અને તેને કેન્દ્રીયમંત્રી મંડળમાં સ્થાન મળતા સદસ્યતા અભ્યાન વચ્ચે ભાજપ દ્વારા સંગઠનની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અને ગુજરાતના ચુંટણી અધિકારી તરીકે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ તથા સહ ચૂંટણી અધિકારી તરીકે રાજકોટ ગ્રામ્યના પ્રભારી ધવલ દવે અને કિશાન મોરચાના પ્રદેશ પ્રમુખ મુકેશ પટેલની નિમણુંક ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

ભાજપના સત્તાવાર સુત્રોના કહેવા મુજબ ગુજરાતમાં ભાજપના ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારીઓની નિમણુંક થઈ જતાં હવે નવી સંગઠન રચનાનો પ્રારંભ થઈ ગયો છે. સૌપ્રથમ આગામી 15 દિવસમાં બુથ સમીતિ અને બુથ સમિતિના પ્રમુખોની નિમણુંકો થશે અને ત્યાર બાદ બીજા 15 દિવસમાં મંડળ પ્રમુખોની નિમણુંકો થશે. ત્યાર બાદના 15 દિવસમાં શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણુંકો થશે જ્યારે 15 નવેમ્બર બાદ ગુજરાત પ્રદેશ ભાજપ એકમની નિમણુંકો શરૂ થશે. સંભવત: જાન્યુરઆરી 2025ના નવા વર્ષથી ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. ભાજપના સુત્રોના કહેવા મુજબ ભાજપની સંગઠન ચૂંટણીઓ ચાર સ્તરે કરવામાં આવશે. દરેક સ્તર 15-15 દિવસનું રહેશે. સાથો સાથ ભાજપ સદસ્યતા અભિયાન પણ હજુ ચાલુ રહેશે. પ્રદેશ સંગઠનની રચના બાદ રાષ્ટ્રીય કક્ષાના સંગઠનની રચના થશે.

ભાજપમાં આ વ્યવસ્થાનો એક ભાગ છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા એકાદ વર્ષ કરતા વધુ સમયથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મુદત પુરી થઈ ગઈ છે. પાટીલે ગુજરાતમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોની ઐતિહાસિક બહુમતિ અપાવી હતી. ત્યાર બાદ સાંસદ તરીકે ચૂંટાતા તેમને કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ પણ હાલ તેમની પાસે છે. સંગઠનની ચૂંટણીઓ જાહેર થતાં હવે જાન્યુઆરીથી ગુજરાત-ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.

સભ્ય નોંધણીમાં રાદડિયા અને માંડવિયા નં.1

ગુજરાત ભાજપમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. તેમાં વ્યક્તિગત ધોરણે સભ્ય નોંધણીમાં વીરપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા 57 હજારથી વધુ સભ્યો નોંધીને ગુજરાતમાં નં. 1 રહ્યા છે. જ્યારે સાંસદોમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતમાં નં. 1 રહ્યા છે. ધારાસભ્યમાં સૌરાષ્ટ્રમાંથી વ્યક્તિગત સભ્યોની નોંધણીમાં એક માત્ર જયેશ રાદડિયા પ્રથમ સ્થાને છે જ્યારે કચ્છના રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા 10માં સ્થાને છે. આ સિવાય શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ બીજા, નળિયાદના પંકજ દેસાઈ ત્રીજા, મજુરાના ધારાસભ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ચોથા તથા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા પાંચમા નંબરે છે. સાંસદોમાં ગુજરાતમાં વ્યક્તિગત સભ્ય નોંધણીમાં પોરબંદરના મનસુખ માંડવિયા પ્રથમ, જામનગરના પુનમબેન માડમ બીજા, નવસારીના સી.આર. પાટીલ ત્રીજા, રાજ્યસભાના સભ્ય નરહરી અમીન ચોથા અને દાહોદના જસવંતસિંહ ભાભોર પાંચમા સ્થાને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement