સબરજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરાવવા આવેલા રેસ્ટોરન્ટ માલિકની કારમાં આગ ભભૂકી
શહેરના યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરાવવા આવેલા રેસ્ટોરન્ટ માલીકની કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કાર પાર્કિગમાં પડી હતી ત્યારે કચરામાં આગ લાગતા કાર પણ ઝપટે ચડી જતા ભડભડ સળગી ઉઠી હતી. જયારે ખરા સમયે જ ઓફીસમાં રાખેલા અગ્નિ શામક સાધનો ચાલુ થયા ન હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. કો કે આગમાં સંપૂર્ણ કાર બળીને ખાક થઇ ગઇ હતી.જાણવા મળતી વિગત મુજબ અયોધ્યા ચોકમાં રહેતા રેસ્ટોરન્ટ માલીક ભાવેશભાઇ જેશીંગભાઇ રાઠોડ આજે સવારે પોતાની ક્રેટા કાર લઇ ઓફીસનો દસ્તાવેજ કરાવવા યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી ગ્રાઉન્ડમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીએ ગયા હતા. જયા પાર્કિંગમાં કાર પાર્ક કરી તેઓ ઓફીસમાં દસ્તાવેજની કામગીરી કરવા ગયા હતા દરમિયાન પાર્કિંગમાં પડેલી તેમની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ મીની ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી નાંખી હતી.
કાર માલીક ભાવેશભાઇના જણાવ્યા મુજબ તેઓ કાર પાર્ક કરી રજીસ્ટ્રાર ઓફિસમાં ગયા ત્યારે પાર્કિંગમાં પડેલા કચરામાં આગ લાગતા કાર પણ ઝપટે ચડી ગઇ હતી. કારમાં લાગેલી આગ બૂઝાવવા ઓફીસમાં રહેલા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરતા અગ્નિશામક સાધનો ચાલુ જ ન થયા હતા. બાદમાં ફાયર બ્રિગેડે આવી આગ બુઝાવી હતી આગમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઇ ગઇ હતી. કારમા રહેલા ઓરીજીનલ ડોકયુમેન્ટ પણ સળગી ગયા હતા.