રેસ્ટોરન્ટનો માલિક જુગારની માસ્ટર ID સાથે પકડાયો, 32 લાખની બેલેન્સ મળી આવી !
માસ્ટર IDમાંથી સાંકેતિક ભાષામાં 25 નામ મળ્યા : ID મેળવનાર શખ્સો કોણ, પોલીસ નામ જાહેર કરશે ?
શહેરનાં કેકેવી ચોક પાસેથી જુગારની માસ્ટર આઇડી સાથે રેસ્ટોરન્ટના માલીકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં માસ્ટર આઇડીમાંથી 32 લાખની બેલેન્સ મળી આવી હતી તેમજ મોબાઇલમાં તપાસ કરતા તેમાંથી સાંકેતીક ભાષામાં 25 જેટલા નામ મળી આવ્યા છે. પુછપરછમાં આરોપીએ માસ્ટર આઇડી થકી અલગ અલગ લોકોને આઇડી આપી જુગાર રમાડતો હતો.
બનાવની વિગતો મુજબ રાજકોટ શહેરમાં તાજેતરમાં જ મોટા મોટા ગુનાઓ ડીટેકટ કરનાર પીસીબી અમલમાં આવી છે. ત્યારે પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં વાલજીભાઇ જાડા તેમજ કિરતસિંહ ઝાલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે કેકેવી સર્કલ પાસે આવેલા ફુટવેરના શોરૂમ નજીક એક શખ્સ જે પોતાના મોબાઇલમાં જુગારની માસ્ટર આઇડી ધરાવે છે અને પોતે જાણીતા લોકોને આઇડી આપી ઓનલાઇન જુગાર રમાડે છે.
આ બાતમી પરથી સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આ શખ્સને ઝડપી પાડયો હતો અને તેમની પુછપરછ કરતા પોતે અમીનમાર્ગ રોડ પર પંચવટી સોસાયટી આર. ડી. મેન્શન નામના મકાનમાં રહેતો અને પોતાનુ નામ મોહીત અનીલભાઇ વરૂ જણાવ્યુ હતું. તેમજ પોતે રેસ્ટોરેન્ટ ચલાવતો હોવાનું પોલીસમાં જણાવ્યુ હતું. ત્યારબાદ પીસીબીના સ્ટાફે મોહીત પાસેથી 80 હજારનો કિંમતની એક મોબાઇલ કબ્જે કર્યો હતો. મોબાઇલમાં રહેલી અઞયડ્ઢભવ નામની જુગાર રમવાની માસ્ટર આઇડી તપાસતા તેમાંથી 32 લાખની બેલેન્સ મળી આવી હતી. તેમજ અલગ અલગ સાંકેતીક ભાષામાં 25 જેટલા નામ પણ મળી આવ્યા હતા. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ કે આરોપી તેમના જાણીતા લોકોને આઇડી આપી ઓનલાઇન જુગાર રમાડતો હતો. હાલ પીસીબી દ્વારા કોને કોને મોહીતે આઇડી આપી છે ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે લોકોમાં એ સવાલ છે કે શું પીસીબી આઇડી ધારકોના નામ જાહેર કરશે ?