સચિવાલય વિભાગોમાં નાણાકીય ચૂક, ગેરરીતિ સંદર્ભે જવાબદારી નક્કી થશે
કેગના અહેવાલ બાદ વિધાનસભામાં SOP બનાવવા ભલામણ
કેગના અગાઉના અહેવાલમાં નાણા વિભાગ દ્વારા વેટ-વેચાણવેરા અંગેની આકારણી તપાસમાં અનેક કેસનો નિકાલ કરવાનું બાકી હોવાનું તારણ બહાર આવ્યું હતું. તેને ધ્યાનમાં લઇને જાહેર હિસાબ સમિતિએ ઓડિટ સંદર્ભે સચિવાલયના તમામ વિભાગમાં થતી નાણાકીય કામગીરીમાં ચૂક કે ગેરરીતિ સંદર્ભે અધિકારી કે કર્મચારી સામે તપાસની કાર્યવાહી કરી જવાબદારી નક્કી કરી પગલા લેવા એસઓપી બનાવવા ભલામણ કરી છે.
વિધાનસભાના તાજેતરના ચોમાસુ સત્રમાં જાહેર હિસાબ સમિતિએ નાણાકીય હિસાબો પર અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે 2018-19 દરમિયાન વેચાણવેરાના 235 કેસમાં આકારણી અને તપાસ પૂર્ણ કરીને દંડ વિગેરે સહિત વધારાનું માગણુ નાણા વિભાગ દ્વારા કરાયું હતું. તે સાથે 303 જેટલા કેસનો નિકાલ કરવાનું બાકી હતો. આ મુદ્દે જુન-2025માં વિભાગે લેખિત ખુલાસો મોકલી આપ્યો હતો તેમાં કોઇ ટિપ્પણી નહીં હોવાની નોંધ મૂકી હતી. તે ઉપરાંત 303 કેસમાંથી 53 કેસ પડતર હોવાનું જણાવ્યું હતું. સમિતિએ બાકી કેસની નોંધ લેતા એવું અવલોકન કર્યું હતું કે મહેસૂલ પ્રાપ્તિ-નાણાકીય વસૂલાત સંબંધી કામગીરી કરાય છે તેમાં કોર્ટમાં પડતર કેસ કે વસૂલાતમાં વિલંબ થવાથી તે પૂર્ણ થતી નથી કે અધૂરી રહે છે તેથી નાણાકીય આવક ઉપર પ્રતિકૂળ અસર થાય છે. તેથી નિયત સમય મર્યાદામાં મહેસૂલ પ્રાપ્તિ સંબંધી કામગીરી કરવા સમિતિ ભલામણ કરે છે.
તે ઉપરાંત જેમની નોંધણી રદ થઇ હતી તેવા વેપારીઓ પાસેથી કરેલી ખરીદીઓ પર વેરા શાખ મંજૂર કરી હતી તેના કારણે 3.68 કરોડની વેરા શાખાની અયોગ્ય મંજૂરી મળી હતી. તે અંગે જાહેર હિસાબ સમિતિએ સંબંધિત અધિકારી-કર્મચારીઓની જવાબદારી નક્કી કરી પગલા લેવા ભલામણ કરી છે.
જાહેર હિસાબ સમિતિ દ્વારા વેરાના દંડની બિન વસૂલાતના કિસ્સામાં પણ નાણાકીય નિષ્કાળજી ચૂક કે ગેરરીતિના કિસ્સામાં એસઓપી કે પરિપત્ર કરવાની જરૂૂર હોવાનો મત વ્યક્ત કરાયો હતો. તે સાથે નાણા વિભાગ દ્વારા સચિવાલયના તમામ વિભાગોમાં થતી નાણાકીય કામગીરીમાં નિષ્કાળજી, ચૂક કે ગેરરીતિના કિસ્સામાં સંબંધિત ખાતાના વડાના ધ્યાનમાં આવે કે ઓડિટમાં જવાબદાર જણાય તેવા અધિકારી-કર્મચારી સામે તપાસ કરી જવાબદારી નક્કી કરવા અને પગલા લેવા પણ ભલામણ કરાઇ છે.