વાંકાનેર તાલુકાના તીથવા ગામના રહીશો દ્વારા દારૂનું દૂષણ બંધ કરાવવા રેલી યોજી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નશાકારક દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદો વચ્ચે, વાંકાનેર તાલુકાના તીથવા ગામે કાયદાના સરેઆમ ઉલ્લંઘન સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે. ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓ સહિતના સ્થાનિક લોકોએ વિશાળ રેલી યોજીને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તીથવા ગામે દારૂબંધીની ચુસ્તપણે અમલવારી થાય અને નશાનું દૂષણ બંધ થાય તે માટે ગત તા.7/11ના રોજ અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે, આ આવેદનપત્રને ધ્યાને લઈને હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી, જેના પગલે નાછુટકે વધુ એક વખત ગામના લોકો દ્વારા આ રેલીનું આયોજન કરવું પડયું છે. મહિલાઓ સહિતના લોકોએ ખુલ્લેઆમ માંગણી કરી હતી કે, ગ્રામસભા જાહેરમાં બોલાવવા અને ‘દારૂબંધી કરવો’ અને ‘પોલીસ ચોકી ખોલો’.
સ્થાનિક મહિલાનું નિવેદન ‘અમારા યુવાનો અને બાળકો આ દારૂના દુષણનો ભોગ બની રહ્યાં છે. અમે પોલીસને વિનંતી કરી છે, સરપંચને રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું નથી. જો વહેલી તકે દારૂનું વેચાણ બંધ નહીં થાય તો અમારું ગામ બરબાદ થઈ જશે.’ સમગ્ર ગુજરાતમાં નશાકારક દ્રવ્યોના વેચાણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે તીથવા ગામનો આ બનાવ પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી પર મોટો સવાલ પેદા કરે છે. ગ્રામજનોના સતત વિરોધ બાદ હવે તંત્ર દ્વારા કડક પગલાં લેવાશે કે નહીં, તે તો આવનારો સમય જ બતાવશે.
ગ્રામજનોએ દારૂના દુષણ વિરૂધ્ધ રેલી યોજીને ગ્રામ પંચાયત સુધી સુત્રોચ્ચાર કર્યા હતાં. આ દરમિયાન, ગામના આગેવાનો અને મહિલાઓએ ‘સરપંચ હાય હાય’, ‘મંત્રી હાય હાય’ સહિતના નારા લગાવીને સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યકત કર્યો હતો. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બનાવવામાં આવેલી આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં બીટ જમાદાર હાજર રહેતા નથી, જેના કારણે બુટલેગરો નિર્ભય બનીને પોતાનો ધંધો ચલાવી રહ્યાં છે.